મુંબઇ ખાતે તાજેતરમાં ડેલિવુડ મૉડેલિંગ કંપની અાયોજિત યોજાયેલી મિ.ઇન્ડિયા પ્રતિયોગિતામાં કરજણ તાલુકાના મેસરાડ ગામના નદીમ નામના યુવકે પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. જેમાં પ્રતિયોગિતાના અંતે પરિણામ જાહેર થતા નદીમ મુસ્તાક ઇસ્માઇલ જમાદારે મિ. ઇન્ડિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને સુંદર પર્સનાલિટીનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો. જયારે મિ. ગુજરાત પ્રતિયોગિતામાં બાજી મારી પ્રથમ ક્રમ મેળવી મેસરાડ ગામ તથા તાલુકાનું નામ રોશન કર્યું હતું.
મિ. ઇન્ડિયા પ્રતિયોગિતા તથા મિ. ગુજરાત પ્રતિયોગિતામાં નદીમે અનુક્રમે પાંચમું તેમજ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યાના સમાચાર વાયુવેગે પાલેજ તથા ટંકારીઆ પંથકના ગામોમાં પ્રસરતા મેસરાડ ગામ સહિત અાસપાસના ગામોમાં લોકોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.
ટંકારીઆ સાથે નજદીક નો ઘરોબો ધરાવતા મેસરાડ ગામના યુવાને પોતાના પરફોર્મન્સના અાધારે તથા અથાગ પરિશ્રમ કરી મિ. ઇન્ડિયા તથા મિ. ગુજરાત પ્રતિયોગિતાઓમાં નોંધપાત્ર ક્રમ મેળવતા રાતોરાત મેસરાડ ગામનું નામ રાષ્ટ્ર ફલક પર ચમકી જવા પામ્યું છે. મુંબઇ ખાતે યોજાયેલી પ્રતિયોગિતાઓમાં ગૌરવવંતા સ્થાન મેળવવા બદલ હાલ તો નદીમ પર ગામ – પરગામથી શુભેચ્છા તેમજ અભિનંદનના સતત સંદેશાઓ અાવી રહ્યા છે.