લાંબા વિરામ બાદ મેઘાની ધમાકેદાર એન્ટ્રી
ટંકારીઆ સહીત પંથકના ગ્રામ્યવિસ્તારોમાં ધમાકેદાર વરસાદનું આગમન થતા નગરજનો સહીત ખેડૂતોમાં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે. ગત જૂન માસમાં ટોકતે વાવાઝોડા વખતે વરસાદ વરસ્યો હતો અને ત્યાર બાદ છૂટો છવાયો વરસાદ થયો હતો જેને પગલે ભેજવાળા વાતાવરણને લીધે સખત બફારાનો અનુભવ થયો હતો. ત્યારબાદ લાંબા સમય થી વરસાદે વિરામ લીધો હતો જેથી ખેડૂતોએ વાવેલ બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. આજે સવારથીજ લાંબી પ્રતીક્ષા બાદ આકાશમાં કાળાભમ્મર વાદળો ગોરંભાયા હતા અને વરસાદ ખાબકી પડતા લોકોએ તથા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ વાતાવરણ એકદમ ઠંડુ થઇ જવા પામ્યું હતું. હજુ પણ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા હોય હજુ પણ વધુ વરસાદ થવાની શક્યતાઓ નિવારી શકાય તેમ નથી.