ભર શિયાળે અષાઢી માહોલ વચ્ચે સતત વરસાદ ચાલુ
સમગ્ર ભરૂચ જિલ્લા સહીત ગુજરાતમાં કમોસમી વરસાદ ને પગલે તાપમાનમાં ઓચિંતો ૧૦ ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. શિયાળામાં કમોસમી વરસાદના પગલે રવિ પાકો ને નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે. અને તુવેર, કપાસ, ઘઉં જેવા પાકોને નુકશાનનો ખતરો ઉભો થયો છે. હાલમાં લગ્નની મોસમ હોય લગ્ન રીસેપ્શનના રંગ માં ભંગ પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નના વરઘોડા જેવા આયોજનો રદ કરવા પડ્યા છે. ટંકારીઆ ગામમાં પણ ગતરોજથી સતત વરસાદના પગલે બજારો સુમસાન ભાસી રહ્યા છે. વળી પાછું હવામાન ખાતું જણાવે છે કે આગામી બે દિવસોમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા હોય લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ગઈ કાલે સાંજ પડતાની સાથે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું અને ગરમ વસ્ત્રો અને ગરમ રજાઈઓ પરિધાન કરી ઠંડીનો સામનો કરતા નજરે પડ્યા હતા. ખેતરોમાં સતત મહેનતકશ કાર્ય બાદ શિયાળાના માવઠાએ ખેડૂતોના માથા પર ચિંતાઓની લકીરો ખેંચી દીધી છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે.