આપણા ગામના ભુતા ફિરોઝ નો પુત્ર નામે મોહમ્મદઓસામા એ ગુજરાત સ્પોર્ટ્સ પાવરલિફ્ટિંગ એસોસિએશન [એફિલેટેડ ઇન્ડિયન પાવરલિફ્ટિંગ ફેડરેશન] દ્વારા આયોજિત [મેન્સ જુનિયર] ગુજરાત પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે રહી બ્રોન્ઝ મેડલ મેળવી ગામનું તથા સમાજનું નામ રોશન કર્યું છે.

આજે સવારે ૧૧ વાગ્યે ટંકારીઆ સીતપોણ તરફ જવાના રસ્તા ઉપર એક નવી મસ્જિદ એ ફૈઝાને મખદૂમ અશરફ ના બાંધકામ ની પાયાવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં દુઆઓ સાથે પ્રોગ્રામ સંપન્ન થયો હતો.

બે દિવસથી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. શિયાળાની ઋતુ બિલ્લી પગે ભરૂચ જિલ્લામાં પ્રવેશી રહી છે. ફજરમાં ઠંડી વર્તાઈ રહી છે. આવા આહલાદક વાતાવરણની મજા ટંકારીયાના નગરજનો માણી રહ્યા છે. ગમતીલી ટાઢ મહેસુસ કરાવે છે. સવારનો તડકો પણ ધીમે ધીમે કૂણો થઇ જવા પામ્યો છે. જાણે સૂરજદાદા પણ હવે થોડો આળસુ બની યાત્રા મોડી શરુ કરી વહેલી નિપટાવી વહેલો પોઢી જાય છે [મતલબ કે ફજરની નમાજનો સમય થોડો લંબાયો છે અને ઇશાનો સમય ટૂંકો થયો છે]. મળસ્કે ગ્રામ્યજીવન માણવા જેવું હોય છે. સૂર્ય કિરણઆચ્છાદિત ચમકતી પાણીંબુન્દ છોળો ઝાકળ રૂપે અવકાશને બાથોડીયે ભરી જાણે શિયાળો આલબેલ પોકારે છે. કોરોના કાળને લઈને છેલ્લા બે વર્ષથી એન. આર. આઈ. ભાઈ બહેનો માદરે વતન આવી શક્યા ના હતા. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થઇ જતા એન. આર. આઈ. ભાઈ બહેનો માદરે વતન આવવા થનગની રહ્યા હશે. અમુક બિરાદરોએ તો તેમની હવાઈ ટિકિટો પણ તૈયાર કરી લીધી હશે.
તો આવો – પધારો અમારે દેશ.
.