ટંકારિયામાં ઠંડીનો ચમકારો દેખાયો
શિયાળો………… ઠંડીની સીઝન, તાજા તાજા શાકભાજી, તદુપરાંત ભાત ભાત ના વસાણા ખાવાની ઋતુ …….. નવયુવાનો અને આધેડો ને કસરત કરી પોતાના સ્વાસ્થ્યને સંવારવાની સીઝન. આમ તો શિયાળાની શરૂઆત ક્યારની થઇ ગઈ છે. પરંતુ ગત થોડા દિવસોથી ફક્ત રાત્રે અને શમી સવારે જ આંશિક ઠંડીનો અહેસાસ થતો હતો અને બપોરે ગરમીનો અહેસાસ થતો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી શિયાળાએ પોતાની ગતિ પકડી લીધી છે. એકદમ ગુલાબી ઠંડી શરુ થઇ ગઈ છે અને લોકો ગરમ વસ્ત્રો પરિધાન કરતા દેખાયા છે. શાકભાજીની બઝારમાં એકદમ તાજા શાકભાજી આવી ગયા છે. તેમજ ચા ની હોટલો ગરમ ગરમ ફુદીનાવાળી ચા બનાવી લોકોને તરોતાજા કરી રહી છે. ભજીયાની દુકાનોએ મેથીની ભાજીના ભજીયા ના ગોટા મુકાઈ ગયા છે. એન.આર.આઈ. ભાઈઓ અને વડીલો એ ધીમે ધીમે વતનની રાહ પકડી લીધી છે. અને પ્રાપ્ત માહિતી અનુસાર આવતા ડિસેમ્બર માસમાં અઢળક શાદીઓ પણ યોજાનાર છે. તો એન.આર.આઈ. ભાઈઓ આપનું આપના માદરે વતન સ્વાગત છે. તો તમામ એન.આર.આઈ. ભાઈઓ બહેનોને જણાવીએ છીએ કે…….. “પધારો મારા ટંકારીઆ”