Month: June 2023
Labbaik Allahmumma Labbaik…….
Today first day of “HAJJ-2023”. Hujjaj performing Rukna at Menna today……….. Hajj Mubarak to all Hujjaj brothers and sisters.
જે.બી. મોદી કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્ર્મે કેન્સર, સ્ત્રીરોગ અને ડેન્ટલ મફત ચેકઅપ કેમ્પ
આજ રોજ તા.૨૪/૦૬/૨૦૨૩ ને શનિવારના રોજ એમ.એ.એમ. સ્કુલ ટંકારીઆના મદની હોલમાં મોહસીને આઝમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટંકારીઆ ગામમાં કેન્સર, સ્ત્રીરોગ અને ડેન્ટલ મફત ચેકઅપ કેમ્પ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી કેમ્પનું આયોજન રાખવામાં આવ્યુ હતું. જેમાં અંકલેશ્વરની વિખ્યાત જે.બી. મોદી કેન્સર સેન્ટર ના નિષ્ણાત ડોકટરોની ટીમ જેવા કે કેન્સર, સ્ત્રીરોગ અને ડેન્ટલ બીમારીને લગતા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહ પુર્વક ટંકારીઆ તથા આસપાસના ગામોના લાભાર્થીઓએ લાભ લીધો. જેમાં જે.બી. મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વરના નિષ્ણાત ડોકટરો ડો. હિમાલી પટેલ (સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. મનીષા આર ગાંધી (દાંત રોગના નિષ્ણાત) અને ડો. નયના વરિયા (કેન્સર રોગના નિષ્ણાત) શ્રી વૈભવ સોલંકીના માર્ગદર્શન હેઠળ નિદાન કર્યું હતું. દર્દીઓની વિસ્તારથી તપાસ કરતા ચાર દર્દીઓને કેન્સરના લક્ષણો જણાતા દર્દીઓને જે.બી. મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર દ્વારા વિના મુલ્યે સારવાર કરવામાં આવશે.
આ કેમ્પમાં સંસ્થાના પ્રમુખશ્રી હાજી ઇશાક મહમદ અશરફી તથા મૌલાના અબ્દુલરજ્જાક સાહેબ, ગામના માજી સરપંચશ્રી ઝાકીરભાઈ ઉમતા વગેરે આગેવાનોએ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.
સુરતની પ્રતિષ્ઠિત, ઐતિહાસિક એંગ્લો ઉર્દૂ શાળાની મુલાકાત
સુરત શહેર સ્થિત પ્રતિષ્ઠિત એંગ્લો ઉર્દૂ શાળામાં હાલમાં ૬૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાનો હાલનો સ્ટાફ ૧૮૮ શિક્ષકોનો છે. આ શાળામાં ૧ થી ૧૨ ધોરણ સુધીના અંગ્રેજી માધ્યમ તથા ૧ થી ૧૨ ધોરણ સુધીના ગુજરાતી માધ્યમમાં તેમજ ધોરણ ૯ થી ૧૨ સુધીના ઉર્દૂ માધ્યમમાં વર્ગો ચાલે છે. આ અત્યાનુધિક શાળામાં ૧૬ સ્માર્ટ વર્ગો, ૫ અત્યાનુધિક કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી ઉપરાંત ફેશન ડિઝાઇનના વર્ગો કાર્યરત છે. આ શાળાનું શિક્ષણનું સ્તર સમગ્ર સુરત શહેરમાં પ્રખ્યાત છે. એંગ્લો ઉર્દૂ હાઇસ્કૂલની સ્થાપના ૧૯૫૩માં થઇ ત્યારથી અત્યાર સુધી લાખો વિદ્યાર્થીઓએ આ શાળામાં ભણી પોતાની કારકિર્દી બનાવવામાં સફળતા મેળવી છે.
આ શાળાના કારોબારી કમિટીના સભ્યો પૈકી ટંકારીઆ મૂળના ઘડિયાળી [દેગ] સલીમ યાકુબ કાર્યરત છે જે આપણા ટંકારીઆ ગામ માટે ગૌરવની વાત છે.
કેપી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારૂક ગુલામ પટેલની ટંકારીઆ ગામના લોકો દ્વારા શુભેચ્છા મુલાકાત
કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ડૉ. ફારૂક ગુલામ પટેલની ભવ્ય કારકિર્દી દરમિયાન કેપી ગ્રુપે સફળતાના જે ઉચ્ચ શિખરો સર કર્યા છે એનાથી ગુજરાત અને ભારતના લોકો ખૂબ સારી રીતે માહિતગાર છે. કેપી ગ્રુપને દરેક ક્ષેત્રે આગળ લઈ જઈ એક આદર્શ ગ્રુપ બનાવવા માટે તેઓની દીર્ઘદ્રષ્ટિ, અથાગ પ્રયત્નો અને કામ કરવાની અનોખી શૈલીનું અત્યંત મહત્વનું યોગદાન રહેલું છે. કેપી ગ્રુપના હોદ્દેદારો અને નાના-મોટા સૌને સાથે રાખીને સંપ અને ઉત્સાહથી કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કામ કરી તેઓએ એક અનોખી છાપ છોડી છે. પોતાના કર્મચારીઓ સાથે લંચ લેવા જેવા એકદમ હળવાશના સમયે ખૂબ અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની અનોખી શૈલી કેપી ગ્રુપની સફળતાના રહસ્યો પૈકીનું એક રહસ્ય છે એવું અનુભવી શકાય. કંપનીની સફળતા માટે ટીમવર્ક ખૂબ જરૂરી હોય છે. કંપનીની સાથે કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીનો પણ વિકાસ થાય એ જરૂરી છે એમ માનનારા કંપનીના સીએમડી ડૉ. ફારૂક પટેલ કર્મચારીઓના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે. સિક્યુરિટીથી શરૂ કરી રિસેપ્શન અને ટોચના મેનેજરોને મળતાં આ કંપનીમાં કામ કરતા બધા કર્મચારીઓ દ્વારા આપવામાં આવતા હૂંફાળા આવકાર અને તેમના આદર્શ વ્યવહારની ખાસ નોંધ લેવી પડે. શરૂઆતના સમયમાં રૂપિયા ૨૦૦૦૦/ નો ચેક વતાવવા લાઈનમાં ઉભા રહેનાર ફારૂકભાઈએ લીડરશીપના મહાન ગુણોના સથવારે, નીતનવા ક્ષેત્રોમાં ઝંપલાવી, સતત મથામણ અને સાહસ કરતા રહી “Business Icon” તરીકે પ્રતિષ્ઠા મેળવી છે એ કાબિલેદાદ છે. કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.ના નેજા હેઠળ વિવિધ જગ્યાઓ પર સોલાર પ્લાન્ટ અને કેપી એનર્જી લિ. ના નેજા હેઠળ વિન્ડ પ્લાન્ટ નાંખવામાં આવતા હતા પરંતુ હવે બંને એક સાથે નાંખીને નવી રાહ પર કંપની આગળ વધી રહી છે. એક જ ગ્રીડમાં બંને પાવરને મર્જ કરીને હાઇબ્રિડ પ્લાન્ટ હેઠળ વીજગ્રાહકો સુધી વીજળી પહોંચાડવાની નવી ટેકનોલોજી અંતર્ગત કામ કરીને કેપી ગ્રુપે ગૌરવશાળી સિદ્ધિ મેળવી છે. કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. કંપનીએ ભારતીય એરફોર્સને હાઇબ્રિડ પ્લાન્ટ હેઠળ પાવર આપવાનો કરાર કરી દેશસેવાનો અનેરો મોકો મેળવ્યો છે.
ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરાંત સમાજસેવાના અનેક ક્ષેત્રોમાં પણ કેપી ગ્રુપ અગ્રેસર રહ્યું છે. કેપી ગ્રુપના નેજા હેઠળ બનેલા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અંતર્ગત અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે નવનિર્માણ પામી રહેલા દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમ બનાવવાના ખર્ચની સંપૂર્ણ જવાબદારી ફારૂકભાઈએ સ્વીકારી છે. દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમનો શિલાન્યાસ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ થયો હતો. દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમ બનાવી તેને ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને સોપવામાં આવશે.
ફારૂક ગુલામ પટેલની લીડરશીપમાં વિવિધ ક્ષેત્રોમાં કેપી ગ્રુપે કરેલી પ્રગતિની નોંધ ભારત બહાર પણ લેવાઈ રહી છે. અમેરિકન ઇસ્ટ કોસ્ટ યુનિવર્સિટી દ્વારા ઇનોવેશન, ટેલેન્ટ અને ક્રીએટીવ મેનેજમેન્ટ માટે ફારૂક ગુલામ પટેલને ડોક્ટરેટની માનદ ડીગ્રી હાલમાં જ અર્પણ કરવામાં આવી છે. આવી મૂલ્યવાન સિદ્ધિના કારણે ફક્ત કેપી ગ્રુપનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું અને ભારત દેશનું ગૌરવ વધ્યું છે. જેને ધ્યાનમાં રાખી કેટલીક સંસ્થાઓ અને લોકો દ્વારા ડૉ. ફારૂક ગુલામ પટેલનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ તબક્કે ટંકારીઆ (તાલુકા- જિલ્લા ભરૂચ) ગામના લોકો વતી માજી સરપંચ જાકીરહુસેન ઈસ્માઈલ ઉમટા, નાસીરહુસેન અહમદ લોટીયા, ગુલામ ઉમરજી ઈપલી તથા સુરતમાં રહેતા ટંકારીઆ મૂળના તથા સુરતમાં વિવિધ સંસ્થાઓ સાથે ઘરોબો ધરાવનાર સામાજિક કાર્યકર સલીમ યાકુબ દેગ માસ્તર (ઘડિયાળી) એ ડૉ. ફારૂક ગુલામ પટેલની કેપી હાઉસ, સુરત ખાતે મુલાકાત લઇ સન્માન કર્યું હતું. ડૉ. ફારૂક ગુલામ પટેલે વર્ષ ૨૦૨૨માં ટંકારીઆ ગામને એક ટ્રેક્ટર, એક ટેમ્પો અને બે ટ્રેલર મળી કુલ સોળ (૧૬) લાખના સફાઈના સાધનોનું દાન આપ્યું હતું જેનો લાભ હાલમાં ટંકારીઆ ગામની ચોતરફ રહેતા તમામ લોકોને મળી રહ્યો છે. ફારૂકભાઈ પટેલે ભવિષ્યમાં પણ લોકહિતના કોઈ પણ કામમાં ટંકારીઆ ગામને મદદરૂપ થવા જણાવ્યું હતું.