ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે તારીખ ૨ માર્ચ ૨૦૨૪ ને શનિવારના રોજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાના તથા સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન મદની શિફાખાના દવાખાનામાં કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કાર્ડીઓલોજીસ્ટ/ હૃદયરોગ નિષ્ણાંત ડો. જયસિંહ અટોદરિયા, યુરોલોજિસ્ટ ડો. શેષાંગ પટેલ, જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન ડો. કલ્પેશ વડોદરિયા, ન્યુરોસર્જન / મગજ અને કરોડરજ્જુના નિષ્ણાંત ડો. જયપાલસિંહ ગોહિલ, કેન્સર રોગના નિષ્ણાંત ડો. નિધિ તથા કેમ્પ આયોજક નિર્લેપ વૈદ્યં અને વૈભવ સોલંકી તથા તેમનો સ્ટાફ અને મદની શિફાખાના નો સ્ટાફ હાજર રહ્યા હતા. તદુપરાંત વિદેશથી પધારેલા એન.આર.આઈ. ભાઈઓ અય્યુબભાઈ મીયાંજી, ઈકબાલ ધોરીવાલા, સલીમ વરુ, મહેબૂબ સુતરીયા, સઇદ ગાંડા વિગેરે હાજર રહ્યા હતા.
માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા તથા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ સંસ્થાનો ચિતાર મહેમાનો સમક્ષ મુક્યો હતો. એન.આર.આઈ. ઇકબાલભાઇ ધોરીવાલાએ પોતાના ટૂંકા પ્રવચનમાં સંસ્થાની કામગીરીને બિરદાવી કેમ્પ આયોજકોનો અને બંને હોસ્પિટલોના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. ડો. જયસિંહ અટોદરિયાએ પોતાના પ્રવચનમાં સંસ્થાની સામાજિક સેવાના અભૂતપૂર્વ કાર્યોની ખુલ્લા દિલે સરાહના કરી હતી અને બાહેંધરી આપી હતી કે ભવિષ્યમાં જયારે જયારે તેમની જરૂર પડશે ત્યારે ત્યારે તેઓ ખડેપગે હાજર રહેશે.
આ કેમ્પમાં યુ.કે. નિવાસી સઇદ ઉમરજી ગાંડાએ બે લાખ રૂપિયા, કેનેડા નિવાસી અય્યુબભાઇ મીયાંજીએ પચાસ હજાર રૂપિયા, અમેરિકા નિવાસી રુક્ષાનાબેન ગુલામ પટેલ દ્વારા બેતાલીસ હજાર રૂપિયા, યુ.કે નિવાસી મહેબૂબ સુતરિયાએ દશ હજાર રૂપિયા, તથા સલીમ વરુએ દશ હજાર રૂપિયા, નાસિર અહમદ લોટીયા સાહેબે પાંચ હજાર રૂપિયા તથા યુસુફભાઇ જેટે પાંચ હજાર રૂપિયા દાનમાં આપ્યા હતા.
આ કેમ્પમાં આશરે ૧૩૨ દર્દીઓએ નિઃશુલ્ક તપાસ અને મેડિસિનનો લાભ લીધો હતો. મદની શિફાખાનાના કર્તાહર્તાઓ જેમાં પ્રમુખ મુસ્તાક બાબરીયા, અઝીઝ ભા, અમીન કડા, ઇલ્યાસ જંગારીયા તેમજ નવયુવાનોએ ખડેપગે સેવા બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.