ટંકારીઆમાં ધોધમાર વરસાદ ખાબક્યો
ચોમાસુ પરિપક્વ અવસ્થામાંથી પસાર થઇ રહ્યું છે. અને મઘા નક્ષત્ર ચાલુ છે. પૂર્વજોની કહેણી છે કે, મઘા માં વરસાદ ધોધમાર પડે. આજે વહેલી સવારે આકાશમાં વાદળો કાળા ડિબાંગ છવાઈ ગયા હતા અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબકી પડ્યો હતો જે સતત પોણો કલાક વરસ્યો હતો. થોડીવારમાં તો ધરા પાણી પાણી થઇ ગઈ હતી. ખેડૂતો પલાંઠી વાળી આકાશ તરફ નજરો જમાવી બેઠેલા નજરે પડ્યા હતા. જોકે ખેડૂતોનું કહેવું છે કે, આ વરસાદથી જે પાક ખેતરોમાં ઉગી ગયો છે તેના માટે આ વરસાદ ઘી સમાન છે. પરંતુ જેમને હજી વાવણી નથી કરી તેઓ માટે વાવણી કરવા માટે થોડો સમય પાછો ઠેલાશે.વળી ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, મઘાના પાણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. આ વખતે અત્યાર સુધી કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા હતા જે આજ સુધી ચાલુ છે. અલ્લાહપાક રહમતનો વરસાદ નાઝીલ કરી ખેત ખલીયાનોને સમૃદ્ધ કરે.