1 2 3 5

આજરોજ ટંકારીઆ કસ્બામાં જાનશીને શૈખુલ ઇસ્લામ વલ મુસ્લિમીન સૈયદ હમઝામિયા અશરફીયુલ જિલ્લાની કિછોછવી ટૂંકી મુલાકાતે આવ્યા હતા. તેમનું ઉષ્માભેર સ્વાગત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.
હઝરતે ગામમાં કદમ મુક્ત જ સૌ પ્રથમ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત “મદની શિફાખાના” ની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં તેમણે શિફાખાનાની પ્રવુત્તીઓની જાણકારી મેળવી હતી. શિફાખાનાના કામ અને ઉત્સાહી સભ્યોની મહેનતને બિરદાવતા તેઓએ ખુબ પ્રશંસા કરી ખુબ સારી દુઆઓ આપી હતી. ત્યારબાદ બપોરે ઝોહર બાદ આમ લોકો માટે મુલાકાતનો સમય પાઠવ્યો હોય લોકોને મુલાકાત આપી હતી. હઝરતની આરામગાહ મહેબુબભાઇ કાજિબુ [રેહાન કાજિબુ]ના નિવાસ્થાને રાખવામાં આવી હતી.

આ પ્રસંગે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા, સભ્યો અમીનભાઈ કડા, ઇલ્યાસ જંગારીયા, અઝીઝ ભા, શકીલ સાપા ઉપરાંત મૌલાના અબ્દુલરઝાક સાહબ, સલીમ હાફેઝી વાંતરસાવાળાં, હાફેઝ સિરાજ સાહબ, મૌલાના હસન મતલબી, નાસીરહુસૈન લોટીયા, ઝાકીર ઉમતા તથા મોટી સંખ્યામાં ગામ તથા પરગામના લોકો હાજર રહ્યા હતા. હઝરતે સમગ્ર ગામને ભલી દુઆઓથી નવાજ્યા હતા, અને ત્યાર બાદ હાશમશાહ [રહ.] ના આસ્તાના પર હાજરી આપી હતી અને ત્યારબાદ વલણ ગામે જવા રવાના થયા હતા
.

સૈયદ હમઝામિયા અશરફીયુલ જિલ્લાની કિછોછવી સાહેબ શનિવાર 30 November 2024 ના રોજ મદની શિફાખાના ટંકારીઆની મુલાકાતે આવ્યા ત્યારે બધાને સરળતાથી સમજાય એ બાબતને ખાસ ધ્યાનમાં રાખીને એમના પોતાના હ્સ્તક્ષારમાં ગુજરાતી લિપિમાં લખેલ સંદેશ નીચે મુજબ છે. 

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 92

 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે શુક્રવાર તા. ૨૯/૧૧/૨૦૨૪ ના રોજ ટંકારીઆ હાઈસ્કૂલના હોલમાં PMET SURAT [PROGRESSIVE MUSLIM EDUCATION TRUST] અને ટંકારીઆ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં સી.એ.ના અભ્યાસક્રમ માટે જાગૃતિ કેળવાય તે હેતુસર એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત કુરાને શરીફના પઠનથી કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત ટંકારીઆ હાઈસ્કૂલના આચાર્ય ગુલામ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો પૈકી PMET SURAT ના સી.એ. ના વિદ્યાર્થી વસીમ વહોરાએ PMET SURAT અંગે વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ PMET SURAT માંથી સફળતાના શિખરો સર કરનાર, જે સંસ્થામાંથી અભ્યાસ કરી સફળતા મેળવી તે જ સંસ્થામાં હવે ટ્રસ્ટી તરીકેની સેવા આપનાર સી.એ. આકીબભાઇએ એમની સંઘર્ષની ગાથા અને સફળતા અંગે વાત કરી સી.એ. ના કોર્ષ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કોર્ષમાં જોડાય તેવું આહવાન કર્યું હતું. ત્યારબાદ સી.એ. સલમાનભાઈએ સી.એ.માં કઈ રીતે સફળતા મળે અને સી.એ. થયા બાદ સફળ કારકિર્દીના વિકલ્પો અંગે સમજ આપી હતી.  સી. એ. તરીકે ખુબ સારા પગાર સાથેની નોકરીની અને ઉજળા ભવિષ્યની શક્યતાઓ વિષે તેમણે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ટંકારીઆ હાઈસ્કૂલના અને PMET SURAT ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અમેરિકા સ્થિત શકીલ ભાએ ટંકારીઆ હાઈસ્કૂલમાં અભ્યાસ દરમ્યાનની તેમની યાદો તાજી કરી હતી. તેમણે બદલાતા યુગમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું ભારત અને વિદેશમાં ઘણું મહત્વ છે તે વિષે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. ત્યારબાદ PMET SURATના આદ્યસ્થાપકોમાંના એક અને ટ્રસ્ટી એવા ટંકારીઆ મૂળના મહંમદભાઇ ભાયજીએ તેમના અને તેમના માતા-પિતાના ટંકારીઆ સાથેના સંબંધોને વાગોળ્યા હતા. તેઓ જિદ્દાહમાં રહેતા હતા ત્યારે અને હંમેશાં પોતાની ઓળખ સુરતીના બદલે ટંકારવી તરીકે આપતા હતા એવું એમણે જણાવ્યું હતું. ત્યારબાદ વિવિધ યોજનાઓ હેઠળ PMET SURAT દ્વારા ચાલતા અભ્યાસક્રમોની સચોટ આંકડાકીય માહિતી આપી PMET SURATની સફળતા નો ગ્રાફ કેટલો ઊંચો છે તેની વિસ્તૃત જાણકારી આપી રહ્યા હતા જેને હાજારજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઇ પ્રતિભાવ આપ્યો હતો.

ભરૂચ જિલ્લાકક્ષાના એસ.સી.એસ. લેવલે વિજ્ઞાનમેળામાં પી.પી.સવાણી યુનિવર્સીટી દ્વારા “બેસ્ટ મોડેલ ઈન સાયન્સફેર” એવોર્ડ ટંકારીઆ હાઇસ્કૂલને એનાયત કરવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં આ ટ્રોફી મહંમદભાઇ ભાઈજી અને અબ્દુલ્લાહ ભુતાવાલા દ્વારા સાયન્સ ફેરમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ ૧. પટેલ આબેદા ફારૂક મહમ્મદ અને ૨. માલજી ફાતિમા મહમ્મદને એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનમેળામાં રજૂ થયેલ કૃતિ શાળાના શિક્ષક જાવીદભાઈ લાંગ્યાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી.

વિદ્યાર્થિઓ સાથેના હોલમાં યોજાયેલા જાહેર કાર્યક્રમ પહેલા PMET SURAT ના ટ્રસ્ટી મહંમદભાઇ ભાયજી તથા એમની ટીમ તરફથી ટંકારીઆ હાઈસ્કૂલના ચેરમેન અબ્દુલભાઇ ભૂતાવાલા તથા શાળાના આચાર્ય ગુલામભાઇ પટેલ તથા ટંકારીઆ ગામના આગેવાનો સમક્ષ સી.એ. પ્રિફાઉન્ડેશનના કોચિંગ ક્લાસ શરુ કરવા માટેનો કોમર્સ શાખા માટે સીમાચિહ્નરૂપ ગણી શકાય એવો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો ટંકારીઆ હાઈસ્કૂલના ચેરમેન અબ્દુલ્લાભાઈ ભુતાવાલાએ સહર્ષ સ્વીકાર કરી હાઈસ્કૂલ મેનેજમેન્ટ તથા સ્ટાફ તરફથી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી, જે ખરેખર સરાહનીય છે. PMET સુરતના ટ્રસ્ટી મહમ્મદભાઈએ સી.એ. પ્રિફાઉન્ડેશનના કોચિંગ ક્લાસ માટે જે ફાઇનાન્સિયલ ખર્ચ થશે તે તથા તેને લગતી ફેકલ્ટીનો તમામ ખર્ચ PMET સુરત દ્વારા પુરી પાડવાની બાહેંધરી આપી હતી.

આ સમારંભમાં PMET SURATના ટ્રસ્ટી મહંમદભાઇ ભાયજી, સી.એ.ફાઇનલ વર્ષના વિદ્યાર્થી વસીમ વહોરા, સી.એ. આકીબ, સી.એ. સલમાન, ટંકારીઆ હાઇસ્કૂલના આચાર્ય ગુલામભાઇ પટેલ, ચેરમેન અબ્દુલ્લાભાઈ ભુતાવાલા, ટંકારીઆ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, અમેરિકાથી પધારેલા શકીલ ભા, યુ.કે.થી પધારેલા હબીબ ભુતા, જેમની કૃતિઓ દેશ વિદેશના એક્ઝિબિશનમાં સ્થાન પામે છે એવા યુ. કે. થી પધારેલા જાણીતા આર્ટિસ્ટ અબ્દુલભાઇ મક્કન કરમાડવાળા, યુનુસભાઇ ખાંધિયા, માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર નાસીરહુસૈન લોટીયા, મુસ્તાક દૌલા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય ગુલામસાહેબે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. આભારવિધિ શાળાના શિક્ષક મુસ્તાકભાઈ ઘાંચીએ કર્યું હતું. અંતમાં શિક્ષક ઇલ્યાસસાહેબે દુઆઓ કરી કાર્યક્રમનું સમાપન થયું હતું.

Click here for link to watch the YouTube video uploaded to The Tankaria High School YouTube Channel 

કાર્યક્રમનો વીડિયો જોવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.

 

 

1 2 3 5