Iqbal Ughradar

ઇકબાલ ઉઘરાદાર

Iqbal Ughradar
Iqbal Ughradar

જાણીતા પત્રકાર, વાર્તાકાર અને ગઝલકાર જનાબ અઝીઝ ટંકારવીના નાના ભાઇ ઇકબાલ ઉઘરાદાર પણ સાહિત્ય પ્રેમી છે. અઝીઝના સહવાસની તેમના પર અસર ન થાય એવું કઇ રીતે બને? અઝીઝને પગલે ઇકબાલે પણ ગઝલ સુંદરીની ઝૂલ્ફોને સંવારી છે, એ ઝૂલ્ફોની છાઁવમાં રહીને કેટલીક સુંદર ગઝલો કહી છે. ટંકારીઆ અને આજુબાજુના ગામોમાં યોજાતા મુશાયરાઓમાં ભાગ લેતા રહે છે.

એમની ગઝલોનો પ્રત્યેક શેર જાણે પ્રેમના ઢાઇ અક્ષરોને ઘુંટતા હોય એ રીતે બરાબર ઘુંટી ઘુંટીને લખાયલો હોય છે. એટલે જ એમની ગઝલોમાં વિચારો અને ઊર્મિઓની ગંભીરતા અને ગહનતા જોઇ શકાય છે. પ્રમાણમાં ઓછી ગઝલો લખે છે પણ જે પણ લખે છે તે ઠેઠ તળિયે પહોંચી ધારદાર મોતી વીણી લાવ્યા હોય એવી સરસ અને ચમકદાર હોય છે. એમની કલમમાંથી વધુને વધુ આવી ગઝલો ટપકતી રહે અને એ ગઝલોનો સંગ્રહ વહેલો મોડો પણ આપણા હાથમાં આવે એવી આશા-અપેક્ષા જરૂર રાખી શકાય.


મુક્તક

કેટલો સુંદર મજાનો આપણો સહવાસ છે
એકબીજાથી અહીં જો પ્રેમ છે વિશ્વાસ છે
આપણે સૌ તારલા સમ આ જગત આકાશ છે
ઝળહળે સાથે બધા તો કેટલો અજવાસ છે


ગઝલ

એક કૂંપળ દિલ મહીં આ ફૂટવા જેવું થયું
પ્રેમના બે ઢાઇ અક્ષર ઘૂંટવા જેવું થયું

એ સમાયો છે અહીં મારા મહીં પડતાં ખબર
આ કવચ મારાપણાનું તૂટવા જેવું થયું

રાત મધ્યે હાથ ખાલી દિલ નજર એના તરફ
એક મુફલિસ થઇ ખુદાને લૂંટવા જેવું થયું

રક્ત નીતરતા અમારા હાથની એવી કથા
ફૂલ છોડી કંટકોને ચૂંટવા જેવું થયું

રાહબર એવા અમે જે માર્ગ ખુદ ભૂલી ગયા
રણ વચાળે ઝાંઝવામાં ડૂબવા જેવું થયું


ગઝલ

ચાલ ચાલીને થાકવાનું છે
દોટ મૂકીને હાંફવાનું છે

એક માણસના લાખ ટૂકડાઓ
કટકા કટકામાં જીવવાનું છે

સાવ અંધકારના આ કાદવમાં
ખુદના પાણીને માપવાનું છે

એષણાઓનું લિસ્ટ લાંબુ છે
અડધું પડધું એ કાપવાનું છે

યાદનું તાપણું કરી રાખો
અંતમાં એ જ તાપવાનું છે

નામ એનું ઘણું જ મીઠું છે
બોલી બોલીને ચાખવાનું છે