Munshi Tankarvi
મુન્શી ટંકારવી
પૂરું નામ સુલેમાન અહમદ મૂળામુન્શી. પિતા પ્રાથમિક શાળાના શિક્ષક હતા તેમના પગલે પુત્રે પણ પ્રથમ કોટન ઇનૄસ્પેકટર અને સરવાળે શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો. સ્વભાવે અત્યંત ભોળા અને રમુજી એટલે ઘણીવાર તેમના રમુજી અનુભવો (અને કોઇ કોઇવાર છબરડા પણ ખરા!) તથા ટૂચકાઓ સાંભળતાં મુલ્લા નસીરૂદ્દીનની યાદ આવે. વળી તેમની વાત કહેવાની અને જીવનના કડવા મીઠા અનુભવો વર્ણવવાની શૈલી અને ઢબ એ પ્રકારની છે કે સાંભળનારને એમાંથી રમુજ સાથે કંઇક જાણવા-શીખવાનું મળી રહે છે. મિત્રોની મહેફિલમાં મુન્શી હંમેશાં રંગત જમાવતા હોય છે. એ જો ન હોય તો મહેફિલને જીવંત રાખવા એમને ગમે ત્યાંથી શોધી કાઢવા પડે છે.
પાંચે વખતની નમાઝના ખૂબજ પાબંદ છે. બાળપણથી નમાઝની આદત છે જે આજ સુધી બરાબર જળવાઇ રહી છે. નમાઝ ઉપરાંત તહજ્જુદના પણ એટલા જ પાબંદ છે. સવારમાં વહેલા ઊઠી ઘરનાં કોઇને તકલીફ આપવી ન પડે એટલે પ્રથમ તો ચૂપચાપ બજારમાં જઇ હોટલમાં ચા પી લેતા હોય છે. એ વિધિ પતાવી સીધા મસ્જિદ ભેગા થાય છે જ્યાં રાત્રિના શાંત વાતાવરણમાં અલ્લાહની યાદ અને ઝિકરમાં મશ્ગૂલ થઇ જાય છે. ઠેઠ ફજરની નમાઝ સુધી ત્યાં જ રહે છે અને છેલ્લે સૂરજ ઉગ્યા પછી નમાઝે ઇશ્રાક અદા કરી ઘર ભેગા થાય છે. બપોરનું ખાણું ખાતાં પહેલાં વળી પાછા ચાશ્તની નમાઝ માટે મસ્જિદમાં હાજર થતા હોય છે. એમનો જીવ ઘર કરતાં મસ્જિદમાં વધારે છે જે આના પરથી જોઇ શકાય છે.
દિવસ દરમિયાન કંઇ કેટલીયે વાર કલામે પાકની તિલાવત કરતા રહે છે. પહેલાં રોજના ત્રણેક સિપારા પઢી લેતા. આજકાલ હવે કદાચ એકાદ સિપારો પઢી લે છે.
ચા-બીડીના શોખીન છે. ઊંઘમાંથી ઉઠાડીને પણ ચા આપો તો ના કહેશે નહીં. સંતોષી જીવ છે એટલે ઘડીકમાં ઊંઘી જતાં પણ વાર લાગતી નથી. આ જીવને ઊંઘની ગોળી લેવાની કદી જરૂર પડતી નથી.
શેરોશાયરીના પણ શોખીન છે. હાસ્ય સમ્રાટ મર્હૂમ બેકાર સાહેબની ઘણી હઝલો એમને મોઢે યાદ છે. એમાંથી પ્રેરણા લઇ કોઇ કોઇવાર ગામમાં યોજાતા મુશાયરાઓ માટે હઝલ લખી નાંખે છે. મુશાયરામાં અનવર ટંકારવી અને મુન્શી ટંકારવી એ બેનું નામ બોલાય એટલે ઊંઘતા શ્રોતાઓ પણ જાગી જતા હોય છે. મુન્શી મત્લા રજૂ કરવા મોં ખોલે એ પહેલાં તો શ્રોતાઓમાં હોહા થઇ જતી હોય છે, તાળીઓનો ગડગડાટ અને હાસ્યની છોળો ઊડવાનું શરૂ થઇ જાય છે. એકેએક શેર પર ભરપૂર દાદ મેળવે છે. વાહ વાહ, મુન્શીજી! અને દોબારા, દોબારાના પોકારો વચ્ચે શ્રોતાઓનું ભરપૂર મનોરંજન થઇ જાય છે. મક્તાનો શેર આવતાં સુધીમાં તો શ્રોતાઓ જાણે મસ્તીમાં ગાંડાતૂર બની જાય છે. મુન્શી પોતાની હઝલ પૂરી કરે ત્યારે તોફાને ચડેલો દરિયો છેવટે શાંત પડે ત્યારે છવાતું હોય છે તેવું વાતાવરણ છવાઇ જાય છે.
આવા રમુજના રાજા મુન્શીજીની ટંકારીઆ મુશાયરામાં તેમણે રજૂ કરેલી હઝલ આસ્વાદ માટે અહીં નીચેની ફાઇલમાં આવવામાં આવી છે.
હઝલ
આ કેવી મોંઘવારી છે!
□ મુન્શી ટંકારવી
કમર પણ વાંકી વળી જાય એવી મોંઘવારી છે
અને છકકાયે છૂટી જાય એવી મોંઘવારી છે
મળે છે પાંચ રૂપિયામાં અડધી ચાયની પ્યાલી
તમારા હોઠ પણ ના ખરડાય એવી મોંઘવારી છે
ગરીબો માટે રોટલા સાથે ખાવા દાળ પણ કયાં છે?
બિચારા પાણીમાં બોળી ખાય એવી મોંઘવારી છે
બસો રૂપિયાની મોંઘી ઓઢણી લાવી નથી શકતા
હવે ઘરવાળી પણ રીસાય એવી મોંઘવારી છે
નથી સોનું કે ચાંદી ઘરમાં તો પણ ચેતતા રહેજો
હવે તો ખાંડ પણ ચોરાય એવી મોંઘવારી છે
ખીલેથી ભેંસ ગુમ થઇ જાય, ખોખામાંથી મરઘી પણ
તમારું બકરું કાપી ખાય એવી મોંઘવારી છે
જુઓને પ્યાજ પણ કેવા થયા છે મોંઘા મુન્શીજી
હવે એ કસ્તુરી કહેવાય એવી મોંઘવારી છે