વતનની મહેકતી માટી
હેજી મારા નાનપણના ગામ, મારા બાળપણ ના ધામ, ટંકારીઆ ગામ તને કરું પ્રણામ. આ શબ્દો છે મૂળ ટંકારીઆ ગામના વતની એવા ભૂતપૂર્વ પી.એસ.આઈ. કરશનભાઇ ધનજીભાઈ ચૌહાણ [રોહિત] ના……… તેમને ટેલિફોનિક વાર્તામાં જણાવ્યું કે : મને મારું વતન, મારુ ગામડું બહુજ વહાલું છે, મારા સપનાઓ પુરા કરવા હું ગામ છોડી શહેર તરફ પ્રયાણ કર્યું. છતાં પણ મને મારુ ગામ હંમેશા યાદ આવતું રહે છે. બાળપણના અમૂલ્ય દિવસો જ્યાં વિતાવ્યા હોય એ દરેક યાદો મારી સાથે હંમેશા રહેતી હોય છે. બાળપણના મિત્રો, ગામની શેરીઓ, ગામનું પાદર, શાળાઓ, રમતગમત નું મેદાન, દુકાનો, બસ સ્ટેન્ડ, મસ્જિદો, રમઝાનની રોનક મારા મનમાં નાજુકાઈથી કોતરાઈ ગઈ છે. અને તેની યાદો મારા ચહેરા પર અચૂક સ્મિત લાવી આપે છે. જ્યારે કોઈક વખત કોઈ પ્રસંગે ગામની મુલાકાત લેવાનું થાય ત્યારે મારા ચહેરાની ચમક ઘણું બધું કહી જતી હોય છે. ત્યારે મારું ગામ મને જનની ની જેમ વહાલું લાગે છે. આ શબ્દો છે વર્ષો પહેલા એટલેકે ધોરણ ૧૨ ની પરીક્ષા ટંકારીઆ ગામે પાસ કરીને ૧૯૮૧ માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ ની ભરતી થયા બાદ ગામ છોડી બહાર વસવાટ કરનાર આપણા ગામના કરશનભાઇ ચૌહાણ [રોહિત] ના. ત્યાર બાદ સમયાંતરે બઢતી મળતા પી.એસ.આઈ. નો દરજ્જો પ્રાપ્ત કરી રિટાયર્ડ જીવન વાઘોડિયા રોડ વડોદરામાં વિતાવી રહ્યા છે. સ્વભાવે એકદમ શાંત અને સાદગીભર્યા અને માનવતાવાદી કરશનભાઇ એ તેમની ફેમિલીનું વર્ણન પણ ટેલિફોન પર કરતા જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈ પીતામ્બર કે જેઓ ઓ.એન.જી.સી. માં નોકરી કરતા હતા બીજા નંબરના નગીનભાઈ પણ પોલીસ કોન્સ્ટેબલે હતા તેમના ત્રીજા ભાઈ છગનભાઇ અંકલેશ્વરમાં કંપનીમાં કામ કરતા હતા, તેમના ચોથા ભાઈ પ્રભાતભાઈ એસ.ટી. માં કંડક્ટર હતા તેમના પાંચમા ભાઈ અર્જુનભાઈ અમરોલી જિલ્લા સુરતમાં શિક્ષક હતા, છઠ્ઠા નંબર પર કરશનભાઇ અને સાતમા નંબર ના રમેશભાઈ અંકલેશ્વરમાં કંપનીમાં કામ કરતા હતા. જેમ જેમ બધા ભાઈઓની નોકરી મળતી ગઈ તેમ તેમ બધાએ ટંકારીઆ ગામ છોડી બીજે વસવાટ કર્યો છે. કરશનભાઇ નો “ટંકારીઆ” ગામ પ્રત્યેનો પ્રેમ બતાવે છે કે તેમને તેમના વાઘોડિયા સ્થિત રહેણાંકના મકાનમાં બહારની બાજુએ મોટા અક્ષરે “ટંકારીઆ” કોતરાવેલ છે જે તેમની ટંકારીઆ ગામ પ્રત્યેની લાગણીઓ અને પ્રેમ જાહેર કરે છે. તેઓ પોતાના વતનના લોકોએ આપેલી હૂંફ, સાથ સહકાર અને મહોબ્બત હજુ પણ વિસરી શક્યા નથી. અને ગામ ટંકારીઆ ની પ્રશંશા કરતા થાકતા નથી. વતનથી દૂર રહીને વતન પ્રત્યેનો પ્રેમ ધરાવનાર આ કરશનભાઇ ને સલામ.
કરશનભાઇ ધનજીભાઈ ચૌહાણ.
તમારા વતનપ્રેમની વાતો વાંચી ખુબ આનંદ થયો. તમારા વતન ટંકારીયા પ્રત્યે તમને કેટલો પ્રેમ છે એ કદાચ શબ્દોમાં કહેવું કઠીન પડે પરંતુ તમને આ વતન પ્રત્યે ઊંડો લગાવ છે, તમારું હદય વતનપ્રેમથી ભરેલું છે અને તમારું મન એ વતનને ભૂલવા માંગતું નથી એ તમારા વહેવાર પરથી જલ્દી સમજમાં આવી જાય છે. તમને વતન પ્રત્યે એટલો લગાવ છે કે તમારી પોતાની એવી ઈચ્છા છે કે ઘરની દીવાલ પર લખેલા ‘ટંકારીયા’ નું નામ વાંચીને એની યાદો તાજી થતી રહે, એ યાદો ક્યાંક ભુલાય ના જાય. આપની વ્યથા સમજી શકાય એવી છે.
ગલ્ફમાં કે અમેરીકામાં રજાના દિવસોમાં જયારે અમે બધા અલગ અલગ ગામના લોકો ભેગા મળતા તો ક્યારેક કોઈ ખાસ વિષયની ચર્ચા થતી હોય ત્યારે બધા પોત-પોતાના ગામની ખૂબીઓ ગણાવવામાં લાગી જતા. દરેક વ્યક્તિ પોતાનું ગામ બીજા ગામો કરતાં વિશેષ દરજજાનું છે એની દલીલો કરતા. અમેરીકામાં તો મેં જોયું છે કે સામાન્ય વાતચીતથી શરૂ થયેલી વાતોમાં એક પછી એક દલીલો એમાં ઉમેરાતી જતી અને અંતે એ દલીલો ખરેખરનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી. આ બધી વાતો પાછળ દરેકનો પોતાના વતન પ્રત્યેનો પ્રેમ છુપાયેલો હોય છે, જે સ્વભાવગત લક્ષણ પણ છે. વતનપ્રેમ એ એક વિશેષ દરજ્જાનો પ્રેમ છે કદાચ એટલેજ એના વિશે કવિઓએ, લેખકોએ, ધર્મ ગુરૂઓએ ઘણું લખ્યું છે. ઇસ્લામ ધર્મમાં પણ વતનપ્રેમ વિષયક અનેક જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે. દરેકને વતન પ્યારૂં હોય છે, પરંતુ એમાં તમારી જેમ કેટલાકનો વતનપ્રેમ સવિશેષ હોય છે, ઊંચા દરજ્જાનો હોય છે જે એમના વર્તન પરથીજ સાફ થઈ જાય છે. તમારા જેવા વતનપ્રેમીઓની પછીથી ખુબ ચર્ચા પણ થાય છે. વતનપ્રેમની વાત આવે તો આદીલ મન્સુરીસાહેબને બધા સૌથી પહેલા યાદ કરે એનું કારણ એ છે કે એમની વતનપ્રેમની અભિવ્યક્તિમાં કરૂણતા છલકાય આવે છે. એમની વાતો દિલના ઊંડાણમાંથી નીકળેલી છે એવું જલ્દી સમજમાં આવી જાય છે. અનેક વખત એમની એ પંક્તિઓ આપણે બધાએ સાંભળી છે છતાં વારંવાર સાંભરવાનું મન થાય છે. અમદાવાદ છોડી તેઓ કુટુંબ સાથે અમેરીકા રહેવા જઈ રહયા હતા ત્યારે તેમનું મન કેટલું વ્યાકુળ હતું એ એમની પંક્તિઓમાં અંકિત થયેલા દર્દથી સમજાય છે:
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
…
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
…
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
…
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ, પછી ઉમ્રભર મળે ન મળે .
અમેરીકામાં એમનું મન ક્યાં લાગતું હતું! રાત દિવસ વતનના સ્મરણ સાથે એમણે દિવસો પસાર કર્યા હશે એવું આ પંક્તિઓમાં સમજાય છે:
કાલે પાછા ચાલ્યા જાશું ,નક્કી કાલે પાછા,
કાલે કાલે કરતાં કરતાં જર્શીમાં વર્ષો કાઢ્યાં.
વતનના પ્રેમનું આવું દર્દ રાખનારા, વતનની ધૂળ પોતાના માથામાં ભરી લેવાની ઈચ્છા ધરાવતા એ વતનપ્રેમીને વતનની બહાર અમેરીકામાં દફન થવાનો સમય જયારે નજદીક આવ્યો હશે ત્યારે એમનું હદય ખુબ રડયું હશે.
કરશનભાઇ, વતનથી દુર થયા પછી વતનની યાદ વધુ સતાવે છે. તમે વતનની યાદ સાથે જીવી રહ્યા છો, અમે તમારા વતનના લોકો તમને યાદ કરતા રહીશું. તમે તમારા વતનથી બહું દુર નથી રહેતા વતનથી નજીકમાં રહો છો એટલા નશીબદાર છો. ગામમાં આવતા-જતા રહેજો અને અમને બધાનેય મળતા રહેજો.
“આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા”