A tribute to Adamsaheb Dadhimunda by Mubaraksaheb Ghodiwala

“કહાં ગયે વો લોગ”  વિભાગમાં મરહૂમ આદમ અહમદ દાઢીમુંડા સાહેબ અંગેના લેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મરહૂમ આદમ અહમદ દાઢીમુંડા   (અહીં ક્લિક કરો)

ફકત ટંકારીઆના નહીં પરંતુ આખા ભરૂચી વહોરા પટેલ સમાજના સાચા હમદર્દ અને નિસ્વાર્થ સેવક એવા હાજી આદમસાહેબ દાઢીમુંડા આજે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા.
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 1996માં વિજ્ઞાન પ્રવાહ માટેની હાયર સેકન્ડરી સ્કૂલ અને છોકરાઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં ભરૂચી વહોરા પટેલોની એ વખતે પહેલી વિજ્ઞાન પ્રવાહની શાળા હતી.મે અહી વર્ષ 1997માં પ્રવેશ મેળવ્યો અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો.આદમ સાહેબ હોસ્ટેલમાં રેકટરની સેવા આપતા હતા.તેઓ સ્વભાવે ખુબ જ કડક અને સિદ્ધાંતવાદી નિવૃત્ત પ્રાથમિક શિક્ષક હતા.લગભગ પંદર વર્ષ સુધી પોતાની રેકટર તરીકેની ફરજને ખુબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી.તેઓ પોતાની આ ફરજને ખુબ જ વફાદાર રહ્યા.11-12માં અભ્યાસ કરતા અમે સૌ ખુબ જ તોફાની અને પોતાની મરજીના માલિક હોઈએ એ સ્વાભાવિક છે.પરંતુ સાહેબે પોતાની આગવી સુજબુજથી અમને ખુબ જ કાબૂમાં રાખી સતત અભ્યાસ કરાવ્યો.એ વખતે ભરૂચમાં વાતો ચાલેલી કે ખારીસીંગ વેચવાવાળા વિજ્ઞાન પ્રવાહની શાળા નહીં ચલાવી શકે.આ વાતે તેઓના અંતરાત્માને અંદરથી હચમચાવી દીધેલ.અને તેઓએ આવી વાતોને ખોટી સાબિત કરવા માટે ખુબ મહેનત કરી ત્યારે અમને તેઓનું કડકપણું અભિશાપ લાગતું.પરંતુ આજે ખબર પડી કે આ અભિશાપ એ જ અમારા માટે આશીર્વાદ હતો.મુન્શી સંકુલની સ્થાપના થયા પછી ભરૂચ વહોરા પટેલોમાં શિક્ષણ પ્રત્યે ખુબ જ જાગૃતિ આવી.આજે વહોરા પટેલ સમાજ પાસે અનેક ડોક્ટરો,એન્જિનિયરો,ફાર્માસિસ્ટ અને ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે.આ સફળતા માટેના પાયાના પથ્થરોમાંના એક એટલે આદમ સાહેબ.તેઓએ ક્યારેય પોતે કરેલ સત્કર્યોની નુમાઇસ નથી કરી.એટલે જ તેઓ આજ દિન સુધી સમાજના હિદન હિરો જ રહ્યા.
ટંકારીઆ જ્યારે શિક્ષણ માટે સજ્જ થવા થનગની રહ્યું હતું ત્યારે ધી ટંકારીઆ વેલ્ફેર સર્કલના તેઓ ખુબ જ સક્રિય કાર્યકર હતા.કન્યા શાળાના જૂના મકાન અને હાઈસ્કૂલના જૂના મકાનના બાંધકામની અને હિસાબ નિભાવવાની જવાબદારી તેઓના શિરે હતી.ત્યારથી લઈ વર્ષો સુધી ટંકારીઆની આ રીતે એકદમ ચૂપચાપ રહીને સેવા કરતા રહ્યા.ક્યારેય પોતે કરેલી સેવાની વાતો જાહેરમાં કરતા નહિ.આવા નિસ્વાર્થ કોમ અને ગામના હમદર્દ હંમેશા માટે આ દુનિયાની માયાને છોડી ગયા છે.અલ્લાહ તેઓની મગફિરત ફરમાવે અને તેઓએ કરેલા સેવાના નેક કાર્યોને કબૂલ કરી બેહતરીન બદલો આપે એવી દિલી દુઆ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*