ટંકારીઆ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

મરે છે બધા, જીવે છે કેટલા…
ઓ જિંદગી તને ઉજવે છે કેટલા?___ડો. રઈશ મનીઆર.

તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ ને શનિવારના રોજ ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆમાં વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવિ, ગઝલકાર, નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક એવા ડો. રઈશ મનીઆર તથા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મહામંડળના લેખિકા હર્ષવીબેન પટેલ હાજર રહ્યા હતા. ડો. રઈશ મનીઆર અને હર્ષવીબેન પટેલની કૃતિઓ ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામેલ છે. તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા હોય ટંકારીઆ ગામમાં મુશાયરાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેમનો કિંમતી સમય વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ફાળવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના આચાર્ય ગુલામ પટેલે ડો. રઈશ મનીઆર, હર્ષવીબેન પટેલ, માજી સરપંચ ઝાકીર ઉમટા, નાસીરહુસૈન લોટીયા, ઇસ્માઇલભાઈ ખૂણાવાલાની વિદ્યાર્થીઓને ઓળખ કરાવી મહેમાનોને આવકાર્યા હતા. આ તબક્કે ડો. રઈશ મનીઆરની બે પ્રખ્યાત ગઝલોની પંક્તિઓ ટાંકી પોતાના પ્રવચનને ટૂંકાવી આચાર્ય ગુલામસાહેબે સમયનો સદ્દઉપયોગ થાય એ બાબતને ધ્યાનમાં રાખી ડો. રઈશ મનીઆરને વક્તવ્ય માટે આમંત્રિત કર્યા હતા.

ડો. રઈશ મનીઆરે પોતાના ૪૦ મિનિટના ધારદાર વક્તવ્યમાં સચોટ ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને જીવન અને કારકિર્દીના પાઠો ભણાવ્યા હતા. તેમણે શિક્ષણને તણાવમુક્ત રહીને આનંદની સાથે ગ્રહણ કરવા માટે અમૂલ્ય સૂચનો કર્યા હતા. જેમાં તેમણે ટીનએજર અવસ્થા એ જીવનની દશા અને દિશા બદલનાર અવસ્થા હોય બાળકોએ આ સમયગાળાને ખાસ મહત્વ આપી પોતાના જીવનના ઘડતર માટેના આ સમયગાળામાં સજાગ રહેવાની સલાહ આપી હતી. ભવિષ્યનો વધારે પડતો વિચાર કરીને વર્તમાનમાં જીવવાનું ભુલાવી દે એવી તાણવાળી જિંદગીથી બચવાના ખાસ ઉપાયો સૂચવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શિખામણ આપી હતી કે, બીજા વિદ્યાર્થી સાથે પોતાની સરખામણી કરીને તણાવ અનુભવવા કરતા પોતાના જ અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે પોતાના જીવનના અનુભવોનો નિચોડ, સચોટ દ્રષ્ટાંતો ટાંકી વિદ્યાર્થીઓ અને હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.

2 Comments on “ટંકારીઆ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

  1. Appreciation message from Yusufbhai Machhasarawala from Jeddah……
    માશાઅલ્લાહ તબારક અલ્લાહ
    ઇકબાલભાઇ ધોરીવાલા દ્વારા યૂટ્યૂબ પર શેર કરવામાં આવેલા ટંકારીયાના યુવાનો દ્વારા આયોજિત મુશાયરાનો આનંદ માણ્યો. આયોજન ખુબ જ સુંદર લાગ્યુ અને રઈશભાઈનું એંકરિંગ પણ લાજવાબ લાગ્યુ. ટંકારીઆ અને આજુબાજુના ગામોમાં રહેતા ગ્રામજનોનો ગઝલપ્રેમ પણ કાબિલેતારીફ છે.
    કોઈપણ સમાજમાં વિવિધ ક્ષેત્રે નિપુણ માણસો હોય તે સમાજ માટે ગર્વની વાત કહેવાય. આમ મુશાયરામાં ભાગ લેનાર શાયરો અને કવિઓને જોઈને ગર્વ થાય છે કે ભરૃચી પટેલ સમાજમાં પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત શાયરો-કવિઓ ધરાવે છે. જેમાં ટંકારીયા મોખરે છે. અન્ય ગામોમાં મનુબર, દયાદરા, સીતપોણ, પગુથણ, ખાનપુર (જંબુસર) પણ છે. આમ અદબ અને ગુજરાતી સાહિત્યના વારસાને જાળવી રાખવામાં ભરૃચી પટેલ સમાજના બુદ્ધિજીવીઓ જે મહેનત કરે છે તે ખુબ જ સરાહનીય છે.
    આટલા મોટા ભરૃચી વહોરા પટેલ સમાજમાં હજુ પણ મોટી સંખ્યામાં શાયરો/કવિઓ હોવા જોઈએ પણ એમ નથી કેમકે આપણા યુવાનો ફક્ત વ્યવસાયલક્ષી શિક્ષણ લેવામાં જ રસ ધરાવે છે એ મૂળ કારણ છે.
    યુસુફભાઈ મછાસરાવાલા. જિદ્દાહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*