ટંકારીઆ હાઇસ્કૂલમાં શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
તા. ૦૧-૦૬-૨૦૨૪, શનિવાર
ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆમાં શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંતર્ગત એક અગત્યનો કાર્યક્રમ હાઇસ્કૂલના હોલમાં સવારના ૧૦:૦૦ કલાકે અમેરિકાથી પધારેલા યુસુફ સાહેબ લાટની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલકો, શિક્ષક ભાઈઓ, શિક્ષિકા બહેનો, મુખ્ય શિક્ષકો , વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, સુરતથી પધારેલા જનાબ મોહંમદ ભાયજી , ડૉ. મલિક મુસ્તફા , CA જનાબ સલમાન પટેલ, ટંકારીઆ હાઇસ્કુલના ચેરમેન જનાબ અબ્દુલભાઈ ભુતા , આચાર્યશ્રી જનાબ ગુલામ પટેલ , એમ.એ.એમ શાળાના પ્રમુખ જનાબ ઇશાક મુહમ્મદ પટેલ, મહેતાબ ખાન પઠાન (MAM સ્કૂલ) , રૂક્ષાનાબેન મેહબુબ જેટ (ટંકારીઆ કુમારશાળા) , જનાબ અઝીઝ ટંકારવી, જનાબ યુનુસભાઈ ખાંધીયા, જનાબ ઝાકીર ઉમટા, જનાબ ગુલામ ઈપલી, જનાબ યુસુફ જેટ, જનાબ નાસીરહુસેન લોટીયા વિગેરે હાજર રહ્યા હતા. વયોવૃદ્ધ જનાબ ઈબ્રાહીમ મનમન સાહેબ, જનાબ યાકુબ સાહેબ ઘોડીવાલા સહિતના નિવૃત્ત શિક્ષકો/ શિક્ષિકા બહેનો વગેરેની હાજરી ખાસ ધ્યાન ખેંચે એવી હતી. આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત નિવૃત્ત શિક્ષક જનાબ ગુલામ ઈપલીએ એમના આગવા અંદાજમાં કર્યું હતું.
પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ, તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મોરારી બાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અને ગુજરાતના રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીના હસ્તે જેમને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળેલ છે એવા ટંકારીઆ ગામના વતની અને હાલમાં ટંકારીઆ કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવતા મહંમદ રફીક અભલીએ એમના પ્રવચનમાં ખૂબ રસપ્રદ બાબતોને આવરી લીધી હતી. પ્રાથમિક શિક્ષક તરીકે નોકરીની શરૂઆતથી લઇ સફળ શિક્ષક તરીકે તેઓ પ્રસ્થાપિત થયા ત્યાં સુધીની લાંબી સફરની વાતો, એમણે કરેલા પ્રયત્નો અને સખત મહેનતની સવિસ્તાર માહિતી તેમણે શ્રોતાજનોને આપી હતી. ત્યારબાદ જેઓ ટંકારીઆ કન્યાશાળામાં H-TAT આચાર્ય તરીકે સેવા બજાવે છે અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે એવા ઐયુબ ખીલજીએ પોતાના વક્તવ્યમાં આચાર્ય તરીકે એમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને વધારાના કામનું જે ભારણ રહે છે એ અંગે ચર્ચા કરી હતી. એમના વક્તવ્યમાં કેટલાક સુંદર શેર ટાંકી શિક્ષણના ઉત્થાન અને બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત તેઓ જે પગલાં લઇ રહ્યા છે એની જીણવટભરી છણાવટ તેમણે કરી હતી. ત્યારબાદ યુવક મંડળ હાઇસ્કૂલ મનુબરના આચાર્ય તરીકેની સેવા બજાવે છે અને જેમની છાપ ખૂબ ઉત્સાહી, સક્રિય અને નિષ્ઠાવાન શિક્ષક તરીકેની રહી છે એવા મૂળ ટંકારીઆ ગામના જાકીરહુસેન મોહંમદ ભાણીયાએ શિક્ષણ સાથે સંકળાયેલા બધા ભેગા મળી પોત પોતાની જવાબદારીનું પાલન કરે તો વધુ સુંદર પરિણામ મળી શકે છે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંગે વાત કરતા અઝીઝ ટંકારવીએ કહ્યું કે આપણો સમાજ વર્ષોથી અગ્રેસર રહેવા માટે પ્રયત્નશીલ રહે છે. આપણા સમાજના કલેકટર, ડોક્ટર જેવા વ્યવસાય સાથે જોડાયેલા અને સફળ થયેલ વ્યક્તિઓ વિશે વાત કરી તેમણે ઉમેર્યું હતું કે આપણે હવે ક્વોલિટી એજ્યુકેશન તરફ ખાસ ધ્યાન આપી આઈ.એ.એસ, આઈ.પી.એસ, એલ.એલ.એમ. (માસ્તર ઓફ લો) એ દિશામાં આગળ વધવાની જરૂર છે. શૈક્ષણિક જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક આગળ વધારવા માટે વિદ્યાર્થી, શિક્ષક અને વાલી એમ ત્રણ મહત્વની કડીઓ સાથે જોડવાની જરૂર ઉપર તેમણે ભાર મૂક્યો હતો.
મૂળ ટંકારીઆ ગામના વતની જેઓ સુરતમાં સ્થાયી થયા છે અને જેમણે ઘણા વર્ષો સુધી જીદ્દાહમાં આંતરરાષ્ટ્રીય કાયદાની પેઢીઓમાંની એક ‘White and Case’ ના જીદ્દાહ બ્રાંચના ‘ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર’ તરીકે મહત્વની ફરજ બજાવી છે એવા પ્રોગ્રેસીવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ રાંદેર, સુરતના આદ્ય સ્થાપક ટ્રસ્ટી એવા મોહંમદ ભાયજીએ પ્રોગ્રેસીવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ થકી વિવિધ પરીક્ષામાં આપણા સમાજનાં બાળકોની સફળતાના આંકડા સહિતની સચોટ માહિતી આપી હતી જેને શ્રોતાજનોએ વધાવી લીધી હતી. ખાસ કરીને PMET ના નેજા હેઠળ અત્યાર સુધીમાં ૪૪ જેટલા CA થયા છે જેમાં ૧૨ છોકરાઓ અને ૦૧ છોકરી મળીને કુલ ૧૩ CA ભરૂચી વહોરા પટેલ સમાજના છે. હાલમાં PMET માં કુલ ૧૮૦ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ CA ના કોર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં ટંકારીઆ ગામના ૦૬ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે એવી રસપ્રદ માહિતી તેમણે આપી હતી. ત્યારબાદ સુરતની નવયુગ કોલેજમાં રસાયણશાસ્ત્ર વિભાગના વડા તરીકેની જવાબદારી નિભાવી ખૂબ ખ્યાતિ પામેલા શિક્ષણવિદ ડૉ. મલિક મુસ્તફા સાહેબે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદમાં અમેરિકન ફર્મના આઉટસોર્સિંગ માટે જેઓ હાલમાં કામ કરે છે એવા CA સલમાન પટેલે CA માં સફળતા અંગે તેમનું પોતાનું ઉદાહરણ ટાંકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રોગ્રેસીવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ રાંદેર, સુરતના આદ્ય સ્થાપક, ટ્રસ્ટી એવા યુસુફ લાટ સાહેબે સમાજને આગળ વધારવા માટે આવા શૈક્ષણિક જાગૃતિ અભિયાનની મહત્તા સમજાવી ટંકારીઆ ગામ તેમજ સમાજના ઉત્કર્ષ માટે આગળ વધવા આહવાન કરી દુઆ ગુજારી હતી. ભવિષ્યમાં પણ PMET તરફથી ટંકારીઆ ગામને જે સહકારની જરૂર પડશે એ સહકાર આપવાની તેમણે ખાતરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટંકારીઆ હાઇસ્કૂલના આચાર્ય ગુલામ પટેલ સાહેબે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું જે દરમિયાન શિક્ષણના પાંચ પીલરનું મહત્વ સમજાવી શિક્ષણના ઉત્થાન માટે તેમણે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટંકારીઆ હાઇસ્કૂલના સંચાલક મંડળના ચેરમેન અબ્દુલ્લાહ મુસા ભુતાવાલા સાહેબે મહત્વનું યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના આયોજનમાં ટંકારીઆ હાઈસ્કૂલના મોહસીન સાહેબ મઠીયા, મુસ્તાક સાહેબ ઘાંચી, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ટંકારીઆ વેલફેર સોસાયટી યુ.કે.ના ઉપ પ્રમુખ હબીબભાઈ ભુતાવાલાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું.
ટંકારીઆ ગામના માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટાએ ઉપસ્થિત મહેમાનો, આયોજકો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે મુફ્તી અબ્દુલ મતીન બચ્ચા સાહેબે દુઆ ગુજારી હતી.
ટંકારીઆ હાઇસ્કૂલમાં શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમનો વીડિયો.
કાર્યક્રમના સંચાલક: ગુલામ સાહેબ પટેલ – આચાર્ય ઘી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆ
તિલાવતે કુરઆન પાક: ફ્હીમ માલજી – ઘી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆ
સભાના પ્રમુખશ્રીના નામની દરખાસ્ત: મોહસીન સાહેબ પટેલ – ઘી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆ
પ્રમુખશ્રીના નામની દરખાસ્તને ટેકો: ઉસ્માન સાહેબ અલી સુતરીયા – આચાર્ય, ઘી આછોદ સાર્વજનિક હાઇસ્કૂલ આછોદ.
આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત : ગુલામ સાહેબ ઈપલી (નિવૃત્ત શિક્ષક)
પ્રાસંગિક પ્રવચન : મહંમદ રફીક અભલી – પ્રાથમિક કુમારશાળા ટંકારીઆ
પ્રાસંગિક પ્રવચન : ઐયુબ સાહેબ ખીલજી – આચાર્ય કન્યા શાળા ટંકારીઆ
પ્રાસંગિક પ્રવચન : ઝાકીરહુસેન મોહંમદ ભાણીયા સાહેબ – આચાર્ય યુવક મંડળ હાઇસ્કૂલ મનુબર
પ્રાસંગિક પ્રવચન : અઝીઝ ટંકારવી સાહેબ (પ્રકાશક ગુજરાત ટુડે દૈનિક)
પ્રાસંગિક પ્રવચન : મોહંમદ સાહેબ ભાયજી (આદ્ય સ્થાપક અને ટ્રસ્ટી PMET)
પ્રાસંગિક પ્રવચન : ડૉ. મલિક મુસ્તફા સાહેબ (રસાયણશાસ્ત્ર ના ખ્યાતનામ વિદ્વાન)
પ્રાસંગિક પ્રવચન : ડૉ. મલિક મુસ્તફા સાહેબ (રસાયણશાસ્ત્રના ખ્યાતનામ વિદ્વાન)
પ્રાસંગિક પ્રવચન : યુસુફ સાહેબ લાટ (આદ્ય સ્થાપક અને ટ્રસ્ટી PMET)
પ્રાસંગિક પ્રવચન : CA સલમાન પટેલ
આભારવિધિ: ઝાકીરભાઈ ઉમટા
દુઆ : મુફ્તી અબ્દુલ મતીન બચ્ચા સાહેબ
Leave a Reply