ટંકારીઆ એમ.એ.એમ. પ્રાથમિક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ તથા એમ.એ.એમ. હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ તથા પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો
બાઈટ : ગુજરાતી ગઝલ ક્ષેત્રે મુસ્લિમ શાયરોના યોગદાનને ઉજાગર કરતું ‘ગઝલ ગુલઝાર’ સીમાચિહ્નરૂપી પુસ્તકનું સંપાદન. – નાસીરહુસેન લોટીયા.
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આવેલી એમ.એ.એમ. પ્રાથમિક ઇંગ્લિશ મીડીયમ તથા એમ.એ.એમ. હાઈસ્કૂલના સભાખંડમાં સ્કૂલના બાળકોનો વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત કુરાનેપાકના પઠનથી કરવામાં આવી હતી. બાદમાં કાર્યક્રમમાં હાજર મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં શાળાના પ્રમુખ ઈસ્હાકસાહેબે શાળાનો વિસ્તૃત ચિતાર રજુ કર્યો હતો. ત્યારબાદ આ શાળાના આચાર્ય મહેતાબ મેડમને સ્મૃતિચિન્હ એનાયત કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષકોને પ્રતિભાનુસાર એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ ‘ગુજરાત ટુડે દૈનિક’ ના સંપાદક અઝીઝ ટંકારવી તથા ડો. એસ.એસ.રાહી દ્વારા સંપાદિત ‘ગઝલ ગુલઝાર’ પુસ્તકનું વિમોચન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકની વિશેષ માહિતી ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર એવા નાસીરહુસેન લોટીયાએ પોતાના પ્રવચનમાં આપી હતી. આ પુસ્તકના બંને સંપાદકો પૈકી અઝીઝ ટંકારવીના ૧૭ જેટલા પુસ્તકો આ અગાઉ પ્રકાશિત થયા છે. તથા ડો. એસ.એસ.રાહીના પણ કેટલાક પુસ્તકોનું પ્રકાશન થયું છે. આ બંને સંપાદકો આ પુસ્તક માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રયત્નશીલ હતા. તેમના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે ૩૪૨ પેજનું આ દળદાર પુસ્તક જેમાં ભારત, પાકિસ્તાન, યુ.કે., અમેરિકા જેવા વિશ્વના દેશોમાં વસવાટ કરતા હાલના અને ભૂતકાળના મળી કુલ ૩૧૧ ગુજરાતી મુસ્લિમ શાયરોની એક-એક કૃતિ અને તેમનો ટૂંકો પરિચય આવરી લેવામાં આવ્યો છે તેનું પ્રકાશન શક્ય બન્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્યમાં અનેરું યોગદાન આપનાર અઝીઝ ટંકારવીની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જો કોઈ વિદ્યાર્થી ‘ગુજરાતી ગઝલ અને ગઝલકારો’ વિષય પર પી.એચ.ડી. કરવા માંગતો હોય તો આ પુસ્તક તેમના માટે ઉપયોગી સાબિત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પુસ્તક ગુજરાતી સંપાદનોમાં એક બેનમૂન સંપાદન સાબિત થશે અને ગઝલ રસિકો તરફથી આ પુસ્તકને સુંદર આવકાર મળશે.
આ પ્રસંગે મહેમાનોમાં જનશિક્ષણ સંસ્થા, ભરૂચના ડાયરેક્ટર સૈયદ જૈનુલ આબેદીન, અઝીઝ ટંકારવી, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી જિલ્લા સભ્ય મકબુલ અભલી, કુરચન ગામના સરપંચ ઇમરાન દીવાન, માજી તલાટી છોટેસાહેબ સૈયદ, મુબારકભાઈ ભાણીયા, નાસીરહુસેન લોટીયા, ઇબ્રાહીમ સાહેબ પીર, નબીપુરના મહેબૂબ પટેલ, ટંકારીઆ પી.એચ.સી. સેન્ટરના ડો. ફરહાનમેડમ ઉપરાંત રતિલાલભાઈ પરમાર, કવિ યકીન ટંકારવી તેમજ શાળાની મેનેજમેન્ટ કમિટીના સભ્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
અંતમાં શાળાના શિક્ષક મુસ્તાક પટેલે આભારવિધિ કરી પ્રોગ્રામ સંપન્ન થયો હતો.
સલામ. અવારનવાર આવા સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓમાં લેખન વાંચનનો શોખ પેદા કરવા બદલ સંસ્થાને, સંચાલકોને અને તમામ સહાયકોને ધન્યવાદ. ગામના સિધ્ધહસ્ત ગઝલકાર, વાર્તાકાર, પત્રકાર અઝીઝ ટંકારવી જેવી અનુભવી વ્યક્તિનો ભરપૂર લાભ ઉઠાવવો જોઇએ. મહેક ટંકારવી, બોલ્ટન, યુ.કે.