ટંકારીઆમાં ૭૮માં સ્વાતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
સમગ્ર દેશ આજે સ્વાતંત્ર દિવસની ઉજવણી દબદબાભેર કરી રહ્યો છે. આજે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદીનો પર્વ. જે અંતર્ગત આજે ટંકારીઆ કસ્બામાં આઝાદી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગ્રામ પંચાયત ટંકારીયાના ચોગાનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામની વિવિધ શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ટંકારીઆ કન્યાશાળા [મુખ્ય] અને ટંકારીઆ કુમારશાળા [બ્રાન્ચ] ની નવનિર્મિત અદ્યતન શાળામાં ભરૂચ તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના રંગે રંગાઈને ગગનભેદી દેશભક્તિના નારા લગાવી વાતાવરણ એકદમ ગુંજી ઉઠ્યું હતું. કન્યાશાળાના આચાર્ય ખીલજી સાહેબે પોતાની આગવી છટામાં દેશકાજે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિનાં પુષ્પો અર્પિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં અબ્દુલ્લાહ ટેલર ઉપરાંત તલાટી ઘનશ્યામભાઈ તથા માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, સલીમ ઉમતા, માજી શિક્ષક દરબાર સાહેબ તથા શાળાના આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ આપી કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.
Leave a Reply