1 2 3 915

­

ટંકારીઆની જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો, ટ્રસ્ટી, વકફ મિલકત અંગેના કાયદા અને ટ્રસ્ટના કાયદાના જાણકાર તજજ્ઞોની  હાજરીમાં ઉપયોગી વિચાર ગોષ્ઠીનું આયોજન ટંકારીઆ ગ્રામ પંચાયત કાર્યાલયમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત જનાબ ઈબ્રાહીમ સાહેબ મનમન, જનાબ અબ્દુલભાઈ ટેલર, જનાબ યુનુસભાઈ ખાંધિયા, જનાબ હબીબભાઈ ભુતા દ્વારા પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત, એમની વિશિષ્ટ ઓળખ, સમાજ ઉપયોગી એમની સેવાઓની જીણવટ ભરી છણાવટ ગુજરાત ટુડેના તંત્રી જનાબ અઝીઝ ટંકારવીએ તેમની વિશિષ્ટ શૈલીમાં કરી હતી. ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળ- અમદાવાદના સક્રિય હોદ્દેદાર એવા જનાબ મુસ્તાકઅહમદ ગુલામઅહમદ ઘોડીવાલાએ આ વિચારગોષ્ઠીના આયોજનના હેતુઓ જણાવી ‘ચાર ભાઈઓના ગામ’ ટંકારીઆના લોકોને એક થઈ લોકોપયોગી કાર્યોમાં સહભાગી બનવા ખાસ આહવાન કર્યું હતું.

ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને ગામની સંસ્થાઓ, ટ્રસ્ટોની સેવાકીય પ્રવુત્તિઓની માહિતી અને વિચારગોષ્ઠીમાં હાજર સંસ્થાઓ/ટ્રસ્ટોના હોદ્દેદારોની ઓળખ નાસીરભાઈ લોટીયાએ આપી હતી. આ વિચારગોષ્ઠીમાં વકફ કાયદાઓ અને ટ્રસ્ટના કાયદાઓના જાણકાર આમંત્રિત તજજ્ઞોએ સાંપ્રત સમયની ઘટનાઓને ખાસ ધ્યાનમાં રાખીને વકફ કાયદાઓ અને ટ્રસ્ટના કાયદાઓ અંગેની વિસ્તૃત સમજ આપી હતી. ગામના બધા ટ્રસ્ટના હોદ્દેદારોમાં જાગૃતિ કેળવાય અને વકફની તમામ મિલકતો અંગે સરકારી કાયદાઓને ધ્યાનમાં રાખીને જે કંઈ કાર્યવાહી કરવાની જરૂર છે એ બધી જ કાર્યવાહી સત્વરે અને સજાગપણે કરવામાં આવે એ સમયની જરૂરિયાત હોય એ અંગે ખાસ તાકીદ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના ટ્રસ્ટોના હોદ્દેદારોએ પોતાના પ્રશ્નોની રજૂઆત મહાનુભાવોને કરી હતી જેનું સચોટ નિરાકરણ કઈ રીતે લાવી શકાય એ અંગેની સમગ્ર પ્રક્રિયાની જીણવટભરી માહિતી આમંત્રિત તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. જનાબ યુનુસભાઈ ખાંધિયા અને અન્ય વક્તાઓએ ખોટા રીવાજો અને શાદીના પ્રસંગે કરવામાં આવતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામા આવે અને સમાજના લોકો દ્વારા સહિયારા પ્રયાસો કરી લોકહિતના કાર્યો કરવામા સમાજના લોકોની રકમનો ઉપયોગ થાય એ માટે ખાસ વિનંતી કરી હતી.

આજની વિચારગોષ્ઠીમાં ધાર્મિક સંસ્થોઓમાં જામે મસ્જિદ અને મદ્રસ-એ- મુસ્તફાઈય્ય્હ ટંકારીઆના ટ્રસ્ટીઓ જનાબ ઈબ્રાહીમ સાહેબ મનમન, જનાબ સાજીદભાઈ લાર્યા, જનાબ સુલેમાનભાઈ રખડા ઉપરાંત ભડ ભાગ કબ્રસ્તાનના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ ખાંધિયાએ ખાસ હાજરી આપી હતી. ગામની શૈક્ષણિક સંસ્થાઓ તરફથી એમ.એ. એમ. ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રમુખ જનાબ ઇશાક પટેલ, જામીઅતુલ બનાત હાઇસ્કૂલ (Girls)ના આચાર્ય જનાબ યુસુફભાઈ જેટ હાજર રહ્યા હતા. સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ અંજુમન સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટી મો. અબ્દુલમતીન એમ. બચ્ચા, શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટના પ્રમુખ જનાબ મુસ્તાક બાબરીયા અને અન્ય ટ્રસ્ટીઓ જનાબ અઝીઝ ભા, જનાબ અમીન કદા હાજર રહ્યા હતા. ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ના ઉપપ્રમુખ જનાબ હબીબ ભુતા, બૈતુલમાલ (વિધવા, ત્યકતા, યતીમ, હકદારો માટે કામ કરતી સંસ્થા) કમિટિ તરફથી સુલેમાનભાઈ રખડા, ટંકારીઆ હાયર એજ્યુકેશન સપોર્ટ કમિટિ તરફથી જનાબ અબ્દુલભાઈ ટેલર, જનાબ યુસુફ જેટ, જનાબ સુલેમાનભાઈ રખડા હાજર રહ્યા હતા. ઉપસ્થિત ટ્રસ્ટીઓએ તજજ્ઞો સામે પ્રશ્નોની રજૂઆત કરી ખૂબ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં જનાબ ઇલ્યાસ ઘોડીવાલા અને સાબીરભાઈ દેડકાએ પણ ખાસ હાજરી આપી હતી. અંતમાં આભારવિધિમાં યુનુસભાઈ ખાંધિયાએ આમંત્રિત તજજ્ઞોએ પોતાની જવાબદારી, કામમાં વ્યસ્ત હોવા છતાં કિંમતી સમય ફાળવી સમયસર હાજર રહી જે ઉપયોગી માર્ગદર્શન આપ્યું તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગામના ટ્રસ્ટોના વયોવૃદ્ધ અને નવયુવાન જાગૃત હોદ્દેદારો હાજર રહી પોતે સજાગ છે એવું પુરવાર કર્યું તે બદલ એમનો પણ ખાસ આભાર માનવામાં આવ્યો હતો.

આજના કાર્યક્રમના આયોજનમાં જનાબ અબ્દુલભાઈ ટેલર, જનાબ મુબારક ઘોડીવાલા,જનાબ નાસીર લોટીયા, માજી સરપંચ જનાબ ઝાકીર ઉમતા, જનાબ મુસ્તાક દોલાએ અંગત રસ લીધો હતો. કાર્યક્રમની સફળતા માટે ગામ પંચાયત ટંકારીઆ અને તેના કર્મચારીઓનો સવિશેષ સહયોગ મળ્યો અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો એવી બધાને પ્રતીતિ થઈ.

1 2 3 915