1 3 4 5 6 7 936

ટંકારીઆથી પાલેજ તરફ જવાના રસ્તે ઠીકરીયા સ્ટેન્ડની સામે સીમમાં આરામ ફરમાવી રહેલા હઝરત નસીરુદ્દીન [રહ.] ની સંદલ વિધિનો કાર્યક્રમ આજે અસર ની નમાજ બાદ રાખવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આજે સવારે સામુહિક ન્યાઝ પણ યોજી હતી.

૧૫મી શાબાન એટલે શબેબરાત… શબેબરાત મુસ્લિમ સમુદાયના પ્રમુખ તહેવારો માંથી એક છે. ઇસ્લામી કેલેન્ડર અનુસાર ઇસ્લામી કેલેન્ડરના આઠમા મહિના ની ૧૫મી રાત્રે શબેબરાત મુસ્લિમ સમુદાય મનાવે છે. આ રાતમાં મુસ્લિમો રાત્રે નવાફીલો અદા કરી અલ્લાહ પાસે ગુનાહોની માફી માંગી અલ્લાહનો કુર્બ હાસિલ કરવાની કોશિશો કરે છે, જે અંતર્ગત ગતરોજ શબેબરાત ટંકારીઆ તથા પંથકમાં મનાવવામાં આવી હતી. બિરાદરોએ મગરીબની નમાજ બાદ વિશિષ્ટ નવાફીલો અદા કરી હતી અને રાત્રે કબ્રસ્તાનમાં જઈ તેમના પૂર્વજોની કબરો પર જઈ તેમની તથા તમામ મરહુમો માટે મગફિરતની દુઆઓ ગુજારી હતી. ત્યાર બાદ મોડી રાત્રી સુધી મસ્જિદો અને પોતપોતાના ઘરોમાં નવાફીલ, તસ્બીહ, ઝિક્ર વગેરે કર્યા હતા અને આ દિવસે રોઝો રાખવાનો મહિમા હોય લોકોએ રોઝા પણ રાખ્યા હતા. હવે પવિત્ર રમઝાન માસને આડે ૧૫ દિવસ બાકી હોય સમસ્ત મુસ્લિમ સમાજ રમઝાનની તૈયારીઓમાં લાગી જવા પામ્યો છે.

ટંકારીઆ ગામના નાક સમાન મોટા પાદરમાં કેટલાક સમયથી રસ્તાની લાઈટો એકદમ બિસ્માર હાલતમાં હતી જેને કારણે ટંકારીઆ ગામના પ્રવેશદ્વારથી મુખ્ય સર્કલ સુધી રાત્રે અંધારું ભાસતું હતું. આ પરિસ્થિતિ આપણા ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીના ધ્યાને આવતા પવિત્ર રમઝાન માસ આવતા પૂર્વે તેમના અથાગ પ્રયત્નોથી મૂળ ટંકારીઆ ગામના વતની મુબારક ભાઈ ભાણીયા અને તેમના મિત્ર મંડળ દ્વારા ગામના મુખ્ય પ્રવેશદ્વારથી મુખ્ય સર્કલ સુધી નવી લાઈટો બેસાડવાનું બીડું ઝડપ્યું હતું, અને આજે રાત્રે મગરીબની નમાઝ બાદ આપણા ગામના વયોવૃદ્ધ વડીલ જનાબ ઇબ્રાહિમ સાહેબ મનમન તથા ‘ગુજરાત ટુડે’ દૈનિકના તંત્રી અઝીઝ ટંકારવીના વરદ હસ્તે લાઈટોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૩૪ જેટલી લાઈટો એક સાથે ચાલુ થતાં કસ્બા ટંકારીઆનું પાદર લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠ્યુ હતું. આ કાર્યમાં ટંકારીઆ ગામના ૧૦૮ ટીમના નવયુવાનો, તથા સુથાર સ્ટ્રીટના નવયુવાનોએ દિવસભર મહેનત કરી ટીમ વર્ક દ્વારા આ લાઈટો નિસ્વાર્થ ધોરણે બેસાડી એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ત્રણ- ચાર દાયકા પહેલાં ટંકારીઆ ગામના પાદરનું નવિનીકરણ ટંકારીઆ “ગામ વિકાસ કમિટી”ની મહેનત અને આગેવાનીમાં ગામ લોકોની એકતાના કારણે થયું ત્યારે અને ત્યાર પછી ઘણા વર્ષો સુધી આઇ.ટી.આઇ. ટંકારીઆ, ગ્રામ પંચાયત ટંકારીઆ જેવી સંસ્થાઓ, ગામના સેવાભાવી અને નિસ્વાર્થ કાર્યકર્તાઓનો સહયોગ મળતો રહ્યો. ત્યારબાદ સ્ટ્રીટ લાઈટોના સમારકામ અને નવિનીકરણ માટે ટંકારીઆના સેવાભાવી લોકોનો સહકાર પણ અવારનવાર મળતો રહ્યો છે. મુખ્ય રસ્તાની વચ્ચે કાળજીપૂર્વક ઉછારેલા વૃક્ષોથી અને તેના પર રાતવાસો કરતા પક્ષીઓના કલરવથી રોનકમાં વધારો થયો. થોડા વર્ષો પછી પાદરમાં મુખ્ય માર્ગના એક છેડે ટંકારીઆનો સુંદર પ્રવેશદ્વાર બન્યો, બીજા છેડે સર્કલ બન્યું, સર્કલની વચ્ચે બેસવા માટેની બેઠકોની વ્યવસ્થા થઈ, પછી હાઈ માસ્ટ લાઈટિંગ ટાવર ઉભો થયો, અને આજે બંધ પડેલી લાઈટોના સ્થાને નવી નક્કોર લાઈટો લાગી અને આ રસ્તાની રોનક વધી. આમ ટંકારીઆનું પાદર તબક્કાવાર એક “દરબાર” બની ગયું જેમાં ગામના લોકોની એકતા, સહયોગ અને સ્વયંભૂ ગામ માટે કંઈ કરી છૂટવાની ઈચ્છા કેન્દ્ર સ્થાને રહી છે. પાદરની રોનકના લીધે જ ગામના નવ યુવાનો અને વડીલોની મહેફીલોનું સ્થળ મુખ્ય બજારો, શેરીઓ, મહોલ્લાના નાકાના બદલે ધીરે ધીરે મોટું પાદર બની ગયું. મોટા પાદરમાં આવેલ દારૂલ ઉલુમ શોપિંગ સેન્ટર, પંચાયત શોપિંગ સેન્ટર, યુથ ક્લબ શોપિંગ સેન્ટર અને અન્ય શોપિંગ સેન્ટરોમાં ઉપલબ્ધ સુવિધાઓ, ચા- નાસ્તાની, ખાણી પીણીની સુવિધાઓને  કારણે ટંકારીઆ અને આજુબાજુના ગામોના લોકો ફક્ત દિવસે જ નહીં પરંતુ ખૂબ મોડી રાત્રે પણ ટંકારીઆના પાદરમાં નજરે પડતા હોય છે. હવે પછી ગામના પાદરની અને આખા ગામની રોનકમાં વધારો થાય એ માટે ગામના પાદરમાં મુખ્ય રસ્તા પરના ડીવાઈડરના વચ્ચેના ભાગે, સમગ્ર પાદરમાં અને ગામની ચોતરફ સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરી બધા ભેગા મળી કામ કરશે તો ટંકારીઆનું પાદર અને આખું ગામ સમગ્ર પંથકમાં આદર્શ પાદર અને આદર્શ ગામ બની રહેશે એ નક્કી છે.
આ પ્રસંગે ‘અદમ’ ટંકારવી સાહેબનો એક શે’ર યાદ આવે છે…

ગામ વચ્ચે ભવ્ય એક મિનાર છે,
મોટું પાદર જાણે કે દરબાર છે,
ચોતરફ પડઘાય છે ટંકારીઆ,
કેમ કે, એ નામમાં ટંકાર છે.

1 3 4 5 6 7 936