Freedom Fighters of Tankaria
ટંકારીઆના સ્વાતંત્ર્ય સેનાનીઓ
જનાબ મુસા ઈસા કેપ્ટન, જનાબ મહાત્મા મુહમ્મદ ઈબ્રાહીમ કબીર, જનાબ આદમ ઈસ્માઈલ મુસ્તફાબાદી, જનાબ ઈબ્રાહીમ ઇસે બાબીયત ઉર્ફે ‘નાયક મોટા’, અને જનાબ ડૉ. અલી ઘોડીવાલા ટંકારીઆ ગામના જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. ભારતની સ્વતંત્રતાની ચળવળ એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. બ્રિટીશ સામ્રાજ્યના અત્યાચારોમાંથી મુક્તિ મેળવવા ખાસ કરીને વર્ષ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી સેંકડો દેશવાસીઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું જેમાં પોતાના જીવનનું બલિદાન આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનો પણ સમાવેશ થાય છે. ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના બધા ધર્મના, વર્ગના લોકો સહભાગી હતા. આ સમયગાળા દરમિયાન અનેક એવી ઘટનાઓ બની કે જેણે ભારતને સ્વતંત્રતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટંકારીઆના લોકોએ પણ બ્રિટીશ સામ્રાજ્યના અત્યાચારોમાંથી દેશને મુક્તિ અપાવવાની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટંકારીઆના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતની સ્વતંત્રતાની લડતમાં પ્રત્યક્ષ રીતે જોડાઈને, પોતાની અને પોતાના કુટુંબની તકલીફોની ચિંતા કર્યા વિના અડગ રહી લડત આપી હતી. ટંકારીઆ ગામના લોકો આજુબાજુના ગામોના લોકોને પણ જરૂરી માર્ગદર્શન આપતા હતા. જે તે સમયે ગામના લોકોની એકતાએ ગામની આગવી ઓળખ ઉભી કરી ગામનું નામ ઉજ્જવળ કર્યું હતું.
સ્વાતંત્ર્ય સેનાની જનાબ મુસા ઈસા કેપ્ટન
‘પરમેનન્ટ મેન્ડેટ કમિશન’ (‘લીગ ઓફ નેશન્સ’)નું સત્તરમું સત્ર ૦૩ જૂન ૧૯૩૦ થી ૨૧ જૂન ૧૯૩૦ દરમિયાન જીનીવા ખાતેના ‘યુનાઇટેડ નેશન્સ’ના મુખ્યાલયમાં યોજાયું હતું. આ સત્રની કાર્યનોંધના પૃષ્ઠ ૨૧૬ ઉપર નોંધ્યું છે કે, ‘અંજુમને શૌકતુલ ઇસ્લામ અને ખિલાફત સમિતિ’ ટંકારીઆ, ભારતના માનદ સચિવ મુસા ઈસા કેપ્ટનનો પત્ર ૦૭ જૂન ૧૯૩૦ના રોજ પરમેનન્ટ મેન્ડેટ્સ કમિશનને મળ્યો.’ બેઠકમાં આ પત્રની ચર્ચા કરવામાં આવી. ચર્ચા કર્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મુસા ઈસા કેપ્ટનને સાત મહિના માટે નાગપુરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગાંધીજી નાગપુર સેન્ટ્રલ જેલમાં જ હતા. સ્વાતંત્ર્ય સેનાની જનાબ મુસા ઈસા કેપ્ટનને ‘કેપ્ટન’નો ખિતાબ ગાંધીજીએ પોતે આપ્યો હતો.
સ્વાતંત્ર્ય સેનાની જનાબ મહાત્મા મુહમ્મદ ઈબ્રાહીમ કબીર
સ્વાતંત્ર્ય સેનાની જનાબ મુહમ્મદ ઈબ્રાહીમ કબીર ‘મહાત્મા કબીર’ તરીકે ઓળખાતા હતા. મહાત્મા કબીરને પણ નાગપુર સેન્ટ્રલ જેલમાં કેટલાક દિવસો માટે કેદ રાખવામાં આવ્યા હતા એવી માહિતી મળે છે. મહાત્મા કબીરે મહાત્મા ગાંધી સાથે દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. જનાબ મુહમ્મદ ઈબ્રાહીમ કબીરને ‘મહાત્મા’નો ખિતાબ ગાંધીજીએ પોતે આપ્યો હતો.
સ્વાતંત્ર્ય સેનાની જનાબ આદમ ઈસ્માઈલ મુસ્તફાબાદી
સ્વાતંત્ર્ય સેનાની જનાબ આદમ ઈસ્માઈલ મુસ્તફાબાદીની મૂળ અટક રોબર હતી. તેમને ગામના નામ ‘મુસ્તફાબાદ’ માટે એટલો બધો પ્રેમ હતો કે એમના નામની પાછળ તેઓ હંમેશાં મુસ્તફાબાદી લખતા હતા. છેવટે તેમની અટક રોબરના બદલે મુસ્તફાબાદી થઈ ગઈ. આદમ ઈસ્માઈલ મુસ્તફાબાદીને અંગ્રેજી ભાષાનું ખૂબ સારું જ્ઞાન હતું. તેમની આ આવડતથી તેમણે ઘણા લોકોની મદદ કરી હતી. તેમણે ‘લોહીનાં આંસુ’ નામના પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.
સ્વાતંત્ર્ય સેનાની જનાબ ડૉ. અલીભાઈ દાદાભાઈ પટેલ (ટંકારવી)
આઇ.ડી.બેકાર સાહેબ દ્વારા વર્ષ ૧૯૫૪માં સંપાદિત ‘પટેલ ડીરેક્ટરી’ના પેજ ૧૫૪ ના લખાણ મુજબ ‘ડૉ. અલીભાઈ દાદાભાઈ પટેલ(ટંકારવી) વહોરા સમાજના પ્રથમ ડૉક્ટર હતા. પ્રમાણિક અને જવલંત નોકરી બદલ અંગ્રેજોના શાસનકાળમાં ૧૯૩૪માં તેમને ‘ખાનસાહેબ’નો ખિતાબ એનાયત થયો હતો. જે તેમણે પાછળથી પરત કરેલો. તેઓ મુંબઈ ઈલાકાની મેડિકલ કાઉન્સિલના સભ્ય હતા. ૧૯૪૫માં એમના પ્રમુખપણા હેઠળ પાનોલી ખાતે ગુજરાત પોલીટીકલ કોન્ફરન્સ શાનદાર રીતે યોજવામાં આવી હતી. તેઓ ભરૂચ જિલ્લામાંથી મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા તથા મુંબઈ ધારાસભામાં વિરોધ પક્ષની પાર્લામેન્ટરી પાર્ટીના મુખ્ય વ્હીપ હતા.’
(નોંધ: સ્વાતંત્ર્ય સેનાની ડૉ. અલીભાઈએ અંગ્રેજોના શાસનના વિરોધના ભાગરૂપે તેમને મળેલ ‘ખાનસાહેબ’નો ખિતાબ પાછળથી પરત કરેલો.)
સ્વાતંત્ર્ય સેનાની જનાબ ઇબ્રાહિમ ઇસે બાબિયત (‘બા-બય્ત’/ ‘બાબયત’નું અપભ્રંશ)
સ્વાતંત્ર્ય સેનાની જનાબ ઇબ્રાહિમ ઇસે * બાબિયત ‘નાયક મોટા’ના હુલામણા નામથી ઓળખાતા હતા. તેઓ ભારતની આઝાદી પછી ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા.
(* એમ કહેવાય છે કે ‘ગુજરાતના પરાક્રમી સુલતાન મુહમ્મદ ‘બેગ’ (બેગડા) ના સમયમાં ટંકારીઆના કબ્રસ્તાનમાં જેમની દરગાહ આવેલી છે એ હઝરત હાશિમશાહ ર.અ. નું પોતાના ‘બાબયત’ તરીકે ઓળખાતા મુરીદોના સમૂહ, સુન્ની પટેલો સાથે ખંભાતથી મુસ્તફાબાદ ટંકારીઆ ખાતે આગમન થયું હતું. હઝરત હાશિમશાહ ર.અ.ની સાથે ખંભાતથી સ્થળાંતર કરીને આવેલા ‘બાબયેતો’ ટંકારીઆ સુથાર મહોલ્લાની નીચે તળ ભાગે ફળિયામાં ઠરીઠામ થયા હતા. ‘બાબેયતો’ ના પૂર્વજો, હઝરત ‘શેખ હાશિમશાહ’ રહમતુલ્લાહની અડખેપડખે પશ્ચિમ દક્ષિણે પોઢેલા છે. દફન થયા છે. આપ હઝરતના મકબરાનું નવ નિર્માણ થતાં પૂર્વજોની કબરોનો હવે મકબરામાં સમાવેશ થઈ ગયો છે.’ આ માહિતી મરહૂમ કદમ ટંકારવી ‘કમાલ’ મુસ્તફાબાદી દ્વારા વર્ષ ૨૦૧૫માં સંપાદિત પ્રકૃતિ ધર્મ: ઈસ્લામ: ગુજરાત અને સુન્ની પટેલ પરંપરામાંથી લિધી છે)
ટંકારીઆના સ્વાતંત્ર્ય સેનાનીઓ ‘અંજુમને શૌકતુલ ઇસ્લામ અને ખિલાફત સમિતિ’ ટંકારીઆના પણ સભ્ય હતા. મૌલાના મોહંમદઅલી જૌહર, મૌલાના શૌકતઅલી જૌહર, અબુલકલામ આઝાદ, હસરત મોહાની, હકીમ અજમલખાન ખિલાફત સમિતિમાં રાષ્ટ્રીય લેવલે મોખરે હતા. ટંકારીઆના લોકોની સક્રિયતાથી પ્રભાવિત થઈ ખિલાફત સમિતિના રાષ્ટ્રીય નેતા મૌલાના મોહંમદ અલી જૌહર ટંકારીઆ ગામની ખાસ મુલાકાત માટે આવ્યા હતા. ટંકારીઆની મુલાકાત દરમિયાન તેમની સવારી માટે એક ઊંચા અને જોરાવર ઘોડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૌલાના મોહંમદ અલીએ જ્યારે આ ઘોડા પર સવારી કરી ત્યારે તેમના મજબૂત બાંધાના, સશક્ત અને કસાયેલા શરીરના ભારે વજનને કારણે ઘોડો કમરમાંથી વાંકો વળી ગયો હતો. મૌલાના મોહંમદઅલી જૌહરની ઘોડેસવારીના આ બનાવની વાતો ટંકારીઆમાં અને વિદેશમાં રહેતા ટંકારીઆના લોકોના મોઢે આજે પણ સાંભળવા મળે છે. ખિલાફત સમિતિએ બ્રિટીશ શાસન સામેની લડાઈમાં હિન્દુ-મુસ્લિમ એકતાને વધારવાનું કામ કર્યું હતું. ખિલાફતનું આંદોલન છેવટે ગાંધીજીના ‘અસહકાર આંદોલન’ સાથે ભળી ગયું હતું. બ્રિટીશ શાસન સામેની લડાઈમાં બધી જ કોમના લોકોએ ખભે ખભા મિલાવી કોઈપણ જાતના ભેદભાવ વિના લડત લડી બ્રિટિશ શાસનથી ભારતને મુક્તિ અપાવી હતી.
અહીં ઉપર આપેલ વિગતો એ પુરવાર કરે છે કે છે કે કમનસીબે જેમ ઇતિહાસના પુસ્તકોમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણા ભૂલાયેલા સ્વતંત્રતા સેનાનીઓની કોઈ જ નોંધ લેવાઈ નથી એમ ટંકારીઆના સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ કોઈ જ નોંધ લેવાઈ નથી. પરંતુ જે તે સમયે ટંકારીઆ ગામના સ્વતંત્રતા સેનાનીઓની સક્રિયતા અને એમના યોગદાનથી પ્રભાવિત થઈને એમની નોંધ રાષ્ટ્રીય કક્ષાના ટોચના નેતા ગાંધીજી અને ખિલાફત સમિતિના ટોચના રાષ્ટ્રીય નેતા મૌલાના મોહંમદ અલી જૌહર દ્વારા જરૂર લેવામાં આવી હતી. એટલું જ નહીં, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ‘અંજુમને શૌકતુલ ઇસ્લામ અને ખિલાફત સમિતિ’ ટંકારીઆની સક્રિયતાની નોંધ ‘યુનાઇટેડ નેશન્સ’ના જીનીવા ખાતેના મુખ્યાલયમાં ૧૯૩૦માં યોજાયેલ ‘પરમેનન્ટ મેનડેટ્સ કમિશન’ (‘લીગ ઓફ નેશન્સ’)ની બેઠકમાં લેવા અંગ્રેજ અધિકારીઓ મજબૂર થયા હતા. આ આ બેઠકના અંતે જનાબ મુસા ઈસા કેપ્ટનને સાત મહિના માટે નાગપુરની જે સેન્ટ્રલ જેલમાં રાષ્ટ્રીય નેતા ગાંધીજી પણ હતા એ જેલમાં કેદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
(નોંધ : આજની ઝડપી ગતિશીલ દુનિયામાં અને રોજબરોજના કપરાં સ્પર્ધાત્મક જીવનમાં, યુવાનોને આપણા સમૃદ્ધ વારસા અને ભૂતકાળને યાદ કરવા માટે ભાગ્યે જ સમય મળે છે. ભારતમાં અંગ્રેજોના જુલ્મી શાસન સામેની લડાઈ એ એક અનોખી કથા છે એવી કથા છે જે વીરતા, બહાદુરી, સત્યાગ્રહ, સમર્પણ અને બલિદાનની વૈવિધ્યસભર વાર્તાઓથી સભર છે. આ વાર્તાઓ સમૃદ્ધ ભારતીય સાંસ્કૃતિક વારસાની અને પરંપરાઓની રચના કરે છે. ભૂલાયેલા નાયકોને ઓછા જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીઓના રૂપમાં વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. તેઓ ક્યારેક ક્યારેક એવા નેતાઓ હોઈ શકે છે જેમના આદર્શો ભારતીય મૂલ્ય પ્રણાલીનું ચિત્રણ કરે છે. ભૂતકાળની ઝાંખી યાદો તરીકે રહેલી વાર્તાઓને ફરીથી ઉજાગર કરવા અને આગળ લાવવાનો ઉદ્દેશ્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહનના એક માધ્યમ તરીકે કામ કરશે. વિકાસ અને વિકાસની આ સફરમાં જ્યાં સુધી આપણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ભૂલાયેલા સેનાનીઓનો સમાવેશ નહીં કરીએ ત્યાં સુધી ભારતની ભાવના અધૂરી છે. આપણે તેમની નૈતિકતાને અને સિદ્ધાંતોને યાદ કરવા જોઈએ અને એમને આદર આપવો જોઈએ.)
Leave a Reply