ટંકારીઆ તથા પંથકમાં બકરી ઈદ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ
હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ દ્વારા તેમના પુત્ર ઇસ્માઇલ અલૈહિસ્સલામ ની ત્યાગ બલિદાન અને સમર્પણ ની યાદ ને તાજી કરતા ઈદુલ અદહા પર્વની ટંકારીઆ સહીત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ ખુબજ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદુલ અદહા પર્વ નિમિતે સવારમાં ટંકારીઆ ની જામા મસ્જિદ સહીત વિવિધ મસ્જિદોમાં ઈદ ની વિશિષ્ટ નમાજ અદા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાના ગળે મળી ઈદ ની મુબારકબાદી પેશ કરી હતી. જામા મસ્જિદના ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે દેશ અને દુનિયામાં અમન, ભાઈચારો અને શાંતિ કાયમ રહે તે માટે દુઆઓ ગુજારી હતી. તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ના ઇમામ સાહેબ હાફેઝ કારી સલીમ સાહેબે તથા પાટણવાળા બાવા સાહેબે પણ અમન અને શાંતિ ની દુઆએ ગુજારી હતી. તથા ટંકારીઆ ગામની અન્ય મસ્જિદોમાં પણ અમન, શાંતિ ની દુઆઓ ગુજારી હતી. તેમજ ટંકારીઆ તથા પંથકના ગામો જેવાકે કંબોલી, વરેડીયા, સાંસરોદ, સીતપોણ, મેસરાડ વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદુલ અદહા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.
આ પર્વ દરમ્યાન પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલે ટંકારિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને ખુબજ શાંતિપૂર્ણ માહોલમાં ઈદુલ અદહા પર્વની ઉજવણી થઇ હોવાના અહેવાલ સાંપડ્યા છે. ગામના સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન, જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તમામ બિરાદરોને ઈદ શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા.
Leave a Reply