વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે લકીરો ખેંચાઈ
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ થવાથી કપાસ, તુવર જેવા પાકો પર અસર જોવા મળી રહી છે. આ વર્ષે ઓગસ્ટ માસમાં દાયકાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આવા સંજોગોમાં ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. સાથે સાથે વાતાવરણ ઉનાળા જેવું થઇ જતા લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. ભર ચોમાસે વરસાદ ઊંચે ચઢી જતા ટંકારીઆ તથા પંથકમાં ઉનાળાનો ભાસ થઇ રહ્યો છે અને ભારે બફાળાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂત ભાઈઓ સતત ચિંતિત અવસ્થામાં દેખાઈ રહ્યા છે. પોતાના ખેતરોમાં કરેલ વાવણી બાદ છેલ્લા એક મહિનાથી નહિવત વરસાદ પડતા અને વરસાદ ખેંચાતા વાવણી ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે. વળી હવામાનખાતાએ જાણ કરી છે કે હાલમાં ચોમાસાને સક્રિય કરી શકે તેવી કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ નથી એટલે સપ્ટેમ્બરના મધ્ય સુધી કોઈ નોંધપાત્ર વરસાદ થવાની શક્યતાઓ ધૂંધળી છે.
અલ્લાહ ખેર કરે, અને તેની રહેમતનો વરસાદ વરસાવી ખેત – ખલીયાનોને તૃપ્ત કરી ખેતીમાં બરકતો આપે. આમીન…..
Leave a Reply