ભરૂચ જિલ્લાનો ત્રિ-દિવસીય તબ્લીગી વાર્ષિક ઈજતેમાં ટંકારીઆ ખાતે યોજાયો
યોગ્ય જીવન જીવો અને અલ્લાહની રહમતનાં ઉમેદવાર રહો. : મોં. ઇબ્રાહિમ દેવલા
ભરૂચ તાલુકાના ટંકારીઆ ખાતે તબ્લીગી જમાઅતનો ત્રણ દિવસીય વાર્ષિક ઈજતેમાં ટંકારીઆ ગામની ભાગોળે ભરૂચ તરફ જવાના રસ્તા પર યોજાયો હતો. તારીખ ૮/૧/૨૪ ને સોમવારથી શરુ થયેલ ત્રિ-દિવસીય આ ઈજતેમાં આજરોજ બપોરે આખરી દુઆ સાથે સંપન્ન થયો હતો. આ વાર્ષિક ઈજતેમાંમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેમાં મુખ્યત્વે મોં. ઇબ્રાહિમ દેવલા, મોં. ઇસ્માઇલ ગોધરા, ફરીદ એહમદ સાહેબ, અહમદ હુશેન સાહબ, અબ્દુલ સમદ સાહબ, ઉસ્માન સાહબ, યાસીન અહમદ સાહબ સહીત ભરૂચ જિલ્લાના ટોચના ઉલેમાએ કિરામ હાજર રહી દીની પ્રવચનો આપ્યા હતા.
આ ઈજતેમાં માં ઉલેમાએ કિરામ દ્વારા સમાજ સુધારણાની વાતોને મહત્વ આપી જણાવ્યું હતું કે, આપણા સમાજમાં જે કુ-રિવાજો છે તેને સદંતર નાબૂદ કરવા પડશે અને સમાજમાં સુધાર લાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અલ્લાહે સમગ્ર બ્રહ્માંડ અને તેમાંની દરેક ચીજવસ્તુઓ ફકત માનવજાત માટે બનાવી છે અને માનવજાતને અલ્લાહની બંદગી માટે બનાવી છે. સમસ્ત માનવજાતે પોતાની જાતને અલ્લાહને રાજી કરનારા કામોમાં લગાડે.
સારી રીતે જીવન જીવવાનો તરીકો એ જ છે કે, અલ્લાહ પર ઈમાન અને શ્રદ્ધા સાથે સાચી રીતે ઈબાદત કરવી અને લોકો માટે ફાયદાકારક બનવું. જયારે ઇન્સાન ઈમાનદારી અને દીનદારીને અપનાવે છે ત્યારે જિંદગીની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે. એટલે દરેક વ્યક્તિ મક્કમતાથી નિર્ણય કરી લે કે, મારે મારી જાતને દીનદાર અને ઈમાનદાર બનાવવી છે.
ત્યાર બાદ ઉલેમાઓએ આ ઈજતેમાં યોજવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સુધારણા લાવવાનો, કુ – રિવાજોને તિલાંજલિ અપાવવાનો અને આજની યુવા પેઢી કે જે નશા તરફ જઈ રહી છે તેને નશા મુક્ત બનાવવાનો અને સમાજમાં ફેલાયેલા દૂષણોથી લોકોને જાગૃત કરવાના પ્રેરણાદાયી પ્રયાસ સાથે આ ઈજતેમાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલેમાઓએ તેમની સજળ આંખોએ આપેલા બયાનોમાં માતા-પિતાની ઈજ્જત અને સેવાચાકરી કરવી, પડોસીઓ સાથે સદવર્તન કરવાની તથા દિવસમાં પાંચ ટાઈમની નમાજ સમય પર પઢવાની સલાહો આપવામાં આવી હતી. આ ઈજતેમાંમાં સામુહિક નિકાહ ની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં આશરે ૭૦ યુગલો નિકાહના પવિત્ર બંધનથી બંધાયા હતા. ઈજ્જતેમાંના અંતિમ દિવસે મૌલાના ઇબ્રાહિમ દેવલા સાહેબે અમન, શાંતિ અને ગુનાહોની માફી માટે દુઆ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ મસ્જિદ એ જમિયતુલ મુસ્લિમીન ટ્રસ્ટ કમિટી ટંકારીઆના જીમ્મેદારો તેમજ ટંકારીઆ તથા પંથકના નવયુવાનોએ ભારે મહેનત સાથે સફળ બનાવ્યો હતો.
Proud Tankarvi ❤