ટંકારીઆ તથા પંથકમાં ઈદ એ મિલાદની ઉજવણી કરાઈ

ભરૂચ જિલ્લાના ટંકારીઆ તથા આજુબાજુના ગામોમાં આજરોજ ઈદ એ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ટંકારીઆ ગામમાં રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી જ ઠેર ઠેર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથીજ મુસ્લિમ બિરાદરો ગામની વિવિધ મસ્જિદોમાં એકઠા થઇ નાતે રસુલ તથા સલાતો સલામ પઢ્યા હતા અને ફજરની નમાજ બાદ પાટણવાળા બાવાના ઘરેથી વિશાલ જુલુસ કાઢવામાં આવ્યું હતું જે જામા મસ્જિદ પાસે સંપન્ન થયું હતું. “સરકારકી આમદ મરહબા” જેવા ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ જામા મસ્જિદમાં પેગંબર સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી.
ત્યાર બાદ ટંકારીઆ ગામની ૧૦૮ તરીકે ઓળખાતા નવયુવાનો દ્વારા સમગ્ર ગામ માટે સામુહિક ન્યાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ઠેર ઠેર ઈદ એ મિલાદનો ઉત્સાહ નજરે પડ્યો હતો.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી ૧૨માં ચાંદ સુધી ટંકારીઆની જામા મસ્જિદ ઉપરાંત મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહમાં ઈશાની નમાજ બાદ સીરતે મુસ્તુફા પર બયાનોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામા મસ્જિદના ખતીબ મૌલાના અબ્દુલરઝાક તથા મુફ્તી નૂર સઈદે બયાનો કર્યા હતા. અને અંતિમ દિવસે સમગ્ર માનવજાત માટે ભલાઈની દુઆઓ કરવામાં આવી હતી. મુફ્તી સાહેબે તેમના અંતિમ દિવસના બયાનમાં તમામ હાજરજનોને દિવસમાં પાંચ ટાઈમની નમાજ પઢવાનો અનુરોધ કર્યો હતો. તેમણે આપણા પ્યારા નબીની સુન્નતો પણ આપણા જીવનમાં ઉતારવાની શિખામણ આપી હતી. મૌલાના અબ્દુલરઝાક સાહેબે પણ હાજરજનોને પંજવકતા નમાજ પાબંદી સાથે પઢવાનો અનુરોધ કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*