Tankaria Covid Care Centre

Edited by: Nasirhusen Lotiya

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન એપ્રિલ ૨૦૨૧માં રમજાન મહિનામાં ટંકારીઆમાં રોજના ૨,૩, કે ૪ ગ્રામજનો, નવયુવાનો આ બીમારીનો શીકાર બની અકાળે આ દુનિયાથી વિદાય લઈ રહ્યા હતા. છેલ્લી સદીમાં ક્યારેય અનુભવ ન થયો હોય એટલી ગંભીર અને બેકાબુ બનતી જતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોઈ પણ જાતના વિલંબ કર્યા વિના માય ટંકારીઆ વોટ્સઅપ ગ્રુપ ૦૧, માય ટંકારીઆ વોટ્સઅપ ગ્રુપ ૦૨, ગ્રેટ ટંકારીઆ વોઈસ વોટ્સઅપ ગ્રુપ અને માય ટંકારીઆ વૅબસાઇટ પર ૧૭ એપ્રીલ ૨૦૨૧ ના રોજ બપોરના ૩.00 વાગ્યાની આસપાસ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા બાબતે એક ઈમરજન્સી મેસેજ એક જ સમયે એક સાથે મૂકવામાં આવ્યો હતો. બે-ત્રણ મિનિટમાં જ અબ્દુલ્લાહ ગુલામ દેસાઈના સકારાત્મક પ્રતિભાવથી શરૂ થયેલ  WhatsApp મેસેજ અને ફોન કોલનો જાણે કે અવિરત પ્રવાહ ચાલુ થયો અને બધાનો ખૂબ જ ઝડપી અને અભૂતપૂર્વ સહકાર મળવાનો શરૂ થયો હતો. ૧૮ એપ્રિલના આખા દિવસ દરમિયાન કોવિડ કેર સેન્‍ટર શરુ કરવા માટે પ્રાથમિક જરૂરિયાત એવા ઓક્સીજનના બોટલની ઉપલબ્ધતા અંગે સર્વે કરવામાં આવ્યો અને રાત્રે તરાવીહ પહેલાં અંજુમન સાર્વજનિક હોસ્પિટલ અને મદની શિફાખાનાના હોદ્દેદારોને એક સાથે રાખી તાબડતોડ મુલાકાત કરવામાં આવી હતી. ૧૯ એપ્રિલ ૨૦૨૧ની રાત્રે તરાવીહની નમાજ પછી જામે મસ્જિદના લાઉડસ્પીકરના માધ્યમથી ગામમાં દુઆ અને સદકહના આયોજન પછી તરત જ મોટા પાદર દારૂલ ઉલૂમના હોલમાં એક મિટિંગનું તાબડતોડ આયોજન થયું હતું. બધાની સહમતીથી અને સંયુક્ત પ્રયાસોથી ટંકારીઆ કોવિડ કેર સેન્ટર પાદરિયા રોડ પર આવેલા દારૂલ બનાતમાં શરૂ કરવાનો અત્યંત ઝડપી નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોવિડ કેર સેન્‍ટર શરુ કરવા માટેની પરવાનગી અને અનેક મૂળભૂત પાયાની સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવાનું કામ ગ્રામજનોના અભૂતપૂર્વ સાથ-સહકારથી એક સાથે સમાંતર શરૂ કરી ખૂબ જ ટૂંકા સમયમાં ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ ટંકારીઆ કોવિડ કેર સેન્ટર વિધિવત્ રીતે શરૂ થયું હતું. લોકોના મૂલ્યવાન દાનની મદદથી દર્દીઓને લેટેસ્ટ મોંઘી દવાઓ, આધુનિક મેડિકલ સાધનો દ્વારા ટ્રીટમેન્ટ, ભરૂચ શહેરના અનુભવી ડોક્ટરોની કોવિડ સેન્ટરની મુલાકાતનું પ્રયોજન,  ઓક્સિજનની સેન્ટ્રલ લાઈન અને મોટી સાઇઝની ટાંકીઓ મારફતે ઓક્સિજનનો અવિરત સપ્લાય, હેવી લોડ માટે નવેસરથી કરવામાં આવેલું હેવી વાયરીંગ, સ્ટેન્ડબાય પાવર સપ્લાય માટે મોટી ક્ષમતાવાળું જનરેટર, એમ્બ્યુલન્સ, દર્દીઓ માટે એરકંડીશન રૂમ, ફાયર સેફટી અને ઈમરજન્સી એલાર્મ સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે ૧૦૦ દર્દીઓને કોઈ પણ જાતની અડચણ વિના અવિરત સેવાઓ મળતી રહે એ માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કોવિડના દર્દીઓ ગામથી દૂર કોવિડ સેન્ટરમાં તબદીલ થતાં ટંકારીઆ ગામમાં સંક્રમણ ઉપર ધીરે ધીરે મહદઅંશે કાબુ મેળવી શકાયો હતો. ૨૫ એપ્રિલ ૨૦૨૧થી ૧૫ જુન ૨૦૨૧ સુધીના ૫૨ દિવસો દરમિયાન ટંકારીઆ અને આજુબાજુના વિસ્તારના કુલ ૧૪૭ દર્દીઓએ ટંકારીઆ કોવીડ કેર સેન્ટરમાં કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વિના મફત સારવારનો લાભ લીધો હતો. ટંકારીઆ ગામના ૧૧ ડોક્ટરો તથા ગામના જ નર્સિંગ સ્ટાફ અને વોલન્ટિયરોએ સેવાઓ આપી હતી જેમાંના કેટલાક સ્ટાફે પોતાના પગારની રકમ કોવિડ કેર સેન્ટરમાં દાન પેટે પરત જમા કરાવી ઉમદા સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોવિડ કેર સેન્ટરમાં ભરૂચના ખ્યાતનામ ડૉકટરોનો પણ સહકાર મળ્યો હતો. કોવિડ કેર સેન્ટરના સમાપન પ્રસંગે તારીખ ૧૯ જુન ૨૦૨૧ની રાત્રે મોટા પાદર દારૂલ ઉલૂમના હોલમાં થયેલા કાર્યક્રમમાં કોવિડ સેન્ટરમાં સેવા આપનાર કોરોના યોદ્ધાઓ ઉપરાંત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો અને દાનવીરોને ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા. પ્રિન્ટ મીડિયા અને ટેલિવિઝન ચેનલોના પ્રતિનિધિઓની હાજરીમાં લાઈવ ટેલિકાસ્ટ કરાયેલા આ કાર્યક્રમમાં ટંકારીઆ કોવિડ કેર સેન્ટરમાં થયેલ કામગીરીની તથા શરૂ થી અંત સુધીના એક એક રૂપિયાના ખર્ચની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી જેને શ્રોતાગણે તાળીઓથી વધાવી લીધી હતી.

કોવિડ કેર સેન્ટરમાં દાન પેટે મળેલ રકમમાંથી આ સેન્ટર બંધ થતા બચત રહેલી ઝકાત, સદકહ અને લીલ્લાહ રકમ કોવિડમાં મરણ પામેલ  વ્યક્તિઓના વારસદારો જેમને આર્થિક સહાયની જરૂર હતી તેમને, અન્ય રોગોના દર્દીઓ, અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ અને ગામના  યોગ્ય  હકદારોને અને કેટલીક રકમ ગામની મેડીકલ, શિક્ષણ ક્ષેત્ર, અને બીજી સેવાના કામો કરતી સંસ્થાઓને તેમનો પાયો મજબુત થાય એ ઉદ્દેશથી આપવામાં આવી હતી. પારદર્શક વહીવટના ભાગરૂપે વધેલી રકમની વહેંચણી બધા જ દાનવીરો અને કમિટીના સભ્યોની સર્વસંમતી અને સલાહ મશવેરાથી કરવામાં આવી હતી.

અલ્લાહ તઆલા તમામ દાનવીરોની અને આ કામમાં સહભાગી તમામ લોકોની નાની-મોટી ખીદમતો કબુલ કરી બન્ને જહાનમાં એનો બેહતરીન બદલો આપે એવી દિલથી દુઆઓ છે.

કોવિડ કેર કમિટીના ૦૯ સભ્યો: (૧) યુનુસભાઈ અહમદ દાદાભાઈ ખાંધિયા (૨) નાસીરહુસેન અહમદ લોટીયા. (૩) યુસુફભાઈ મુસા જેટ (૪) મૌ. લુકમાન અબ્દુલ્લાહ ભુતા (પ્રમુખ અંજુમન સાર્વજનિક હોસ્પિટલ) (૫) મૌ. ઈરફાન યાકુબ ભીમ (સેક્રેટરી અંજુમન સાર્વજનિક હોસ્પિટલ) (૬) હા. સફવાન યાકુબહાજી યુસુફ ભુતા (ટ્રસ્ટી અંજુમન સાર્વજનિક હોસ્પિટલ) (૭) મૌ. અબ્દુલમતીન એમ. બચ્ચા (૮) અઝીઝ ઈસા ભા (સેક્રેટરી મદની શિફાખાના) (૯) મહંમદ અમીન અબ્દુલ મજીદ ક્દા (ટ્રસ્ટી, મદની શિફાખાના)/મુસ્તાકભાઈ વલીભાઈ બાબરીયા (પ્રમુખ મદની શિફાખાના)
નોંધ: મહંમદ અમીનભાઈ ક્દા વિદેશ ગયા ત્યારે એમનું સ્થાન મુસ્તાકભાઈ બાબરીયાએ લીધું હતું.

Report Published in The Indian Express/ The Indian Express (Daily) April 27, 2021 માં છપાયેલ રીપોર્ટ વાંચવા અહીં Click કરો


એપ્રિલ ૨૦૨૧ના રમઝાન માસમાં ટંકારીઆ અને આજુબાજુના ગામોમાં કોરોનાનો કહેર વધતાં કોરોના સંક્રમિત લોકોની સારવાર માટે તાત્કાલિક ૧૦૦ બેડનું કોરોના સેન્‍ટર ઊભું કરવાની તાબડતોડ તૈયારીઓમાં લાગી ગયેલા મારા ગામના નવયુવાન અને વડીલ ટંકારવીઓને દોડાદોડી કરતા જોઇને …

વાહ રે ટંકારવી…

□ મહેક ટંકારવી, બોલ્ટન, યુ.કે.

છે કેટલી ખૂબીનો એ માલિક જણાવું હું
ટંકારવીનો તમને પરિચય કરાવું હું

વૈશાખ જેમ એને તો તપતાંય આવડે
શ્રાવણ બની પછીથી વરસતાંય આવડે

એને કળીની જેમ ઉઘડતાંય આવડે
પુષ્‍પોની જેમ એને મહેકતાંય આવડે

ચકલાંની જેમ એને ચહેકતાંય આવડે
કોકિલની જેમ એને ટહુકતાંય આવડે

એ મૌન ધરી બેસે તો જાણે ઋષિમુની
બોલે તો મહેફિલોને ગજવતાંય આવડે

શબ્દોના છે સ્વામી અહીં ટંકારવી ઘણા
સુખદુખનાં ગીતો એમને ગાતાંય આવડે

વહોરા પટેલ કોમનો રોશન ચિરાગ છે
થઇ દીપ અન્‍ય કાજ ઝબૂકતાંય આવડે

ટંકારવી છે, માણતાં સુખ આવડે એને
આવી પડે તો દુ:ખને વહેંચતાંય આવડે

દુનિયાના છેડે હોય પણ દિલ રાખે વતનમાં
છેટે રહી નજીક રહેતાંય આવડે 

ખોબે ને ખોબે દાનની ઝોળીને જોઇ લો
એક જ પુકાર સાંભળી ભરતાંય આવડે

પાઉન્‍ડની કે ડોલરની તો કંઇ પણ નથી વિસાત
માંગો તો જાન સુદ્ધાં પણ દેતાંય આવડે

નિજ જાતને જોખમમાં મૂકી દોડે યુવાનો
ખિદમત ખડે પગે પછી કરતાંય આવડે

ભૂલીને બધું ભેગા મળે ભાઇની માફક
શત્રુની સામે એક થઇ લડતાંય આવડે

જાણે છે મુસલમાનનું હથિયાર છે એ તો
આવી પડે બલા, દુઆ કરતાંય આવડે

કોરોનાનો અઝાબ થશે દૂર આખરે
તોબા કરીને રબને રીઝવતાંય આવડે

કોરોનાથી ભલેને હો એ સંક્રમિત ‘મહેક’
જીવતાં ય આવડે, એને મરતાંય આવડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*