Hafiz Adam Isap Kaduji
હાફેજી આદમ ઇસપ કડુજી
(૧૬/૦૩/૧૯૧૬ – ૨૧/૦૪/૨૦૦૪)
□ ઉમર ફારૂક ચામડ ટંકારવી, ઇન્ડિયા
હું સને ૧૯૯૩માં ઇંગ્લૅન્ડ ખાતે મારા દીકરા અમીનને ત્યાં લંડન આવેલો. ત્યારનો આ પ્રસંગ મને હંમેશાં આપણા એક વડીલની યાદ તાજી કરાવે છે.
આપણા આ વડીલ તે હાફેજી આદમ ઇસપ કડુજી. ગામમાં હતા ત્યારે વર્ષો સુધી ટંકારીઆના મોટા મદ્રસામાં છોકરાંઓને પઢાવવાની નોકરી કરી. એમના ત્રણ દીકરા ખેડૂતનું જીવન. ધર્મપત્ની પણ ખૂબ જ સારાં અને વિવેકી. મને એ બંને હંમેશાં સારી રીતે બોલાવે. કાકી ખૂબ જ આદરપૂર્વક સંબોધન કરે.
મોટી ઉંમરે એમને પોતાની આર્થિક હાલતની ચિંતા થતાં યુ.કે. ખાતે એમની દીકરી પરણાવેલી ત્યાં યોર્કશાયરમાં ડયુઝબરી ખાતે ગયા. શાયદ એક વખત ઍરપોર્ટ પરથી પાછા આવેલા. ત્યાં રહી નોકરી છોકરાં પઢાવવાની કરી. પોતાના દીકરાઓની પ્રગતિમાં ખૂબ સાથ સહકાર આપ્યો. છોકરાઓનાં ઘરો બનાવી આપ્યાં. એક વૃદ્ધ બાપે જુવાન છોકરાઓ જેવી મહેનત કરી.
હું યુ.કે. આવ્યો છું એવી એમને ખબર પડી. ડયુઝબરીથી મને લંડન ફોન કરીને ખબરઅંતર પૂછી. પછી કહે: “બેટા! મારી પાસે પાંચસો પાઉન્ડ પડેલા છે. તારે જરૂર હોય તો મોકલાવું.” આ સાંભળી મારું હૈયું ભરાઇ આવ્યું. કેવી નિખાલસતા! કેવો પ્રેમ! મારાથી ઝાઝું બોલી શકાય એમ ન હતું. મેં કહ્યું, “કાકા! આપનો ખૂબ આભાર!”
થોડા વર્ષો પૂર્વે જ આપણા આ વડીલ વર્ષો સુધી દેશ પરદેશમાં બાળકોને અલ્લાહના કલામની તાલીમ આપી ટંકારીઆ આવી ખુદાને પ્યારા થઇ ગયા. એમને ટંકારીઆની હાશમશાહ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા.
અલ્લાહ રહીમો રેહમાન એમની દીની ખિદમતોને કબૂલ કરી એનો સર્વોત્તમ બદલો આપે.
“તમારામાં સૌથી સારો તે છે, જે કુર્આન શરીફ શીખે અને શીખવાડે.” (બુખારી, અબુદાવૂદ, તિરમિઝી)
Leave a Reply