Mukardam Muhammed Vali

જનાબ મુહંમદ વલી મુકરદમ
(ઉર્ફે ગુલામ માસ્તર)

જન્મ: ૨૧-૦૬-૧૯૨૮   મરણ: ૧૭-૦૧-૨૦૦૪

રજૂ કર્તા: નાસીરહુસેન લોટીયા

સફળતા મને બેસવાનું કહે છે,
મને જે રખડતા રખડતા મળી છે.

હું ખાલી થયો છું સતત ભીતરેથી,
 પછીથી મને આ ગહનતા મળી છે.

    લ્યો જગ એ સમજથી પ્રભાવિત થયું છે,
 જે જગને સમજતા સમજતા મળી છે.

                               – વિકી ત્રિવેદી

મૂળ આપણા ટંકારીઆ ગામના પરંતુ અમદાવાદમાં વર્ષો સુધી સ્થાયી થઈને મૃત્યુ પર્યંત ખિદમતે ખલ્કમાં પોતાનું જીવન અર્પિત કરનાર, કર્મનિષ્ઠ, સેવાભાવી, ટંકારીઆ ગામનું નામ ગૌરવાન્વિત કરનાર મરહૂમ જનાબ મુહંમદ વલી મુકરદમ “ગુલામ માસ્તર”ના હુલામણા નામથી ઓળખાતા હતા. બાલ્યાવસ્થા અને યૌવનના શરૂઆતના કેટલાક વર્ષો ટંકારીઆમાં રહ્યા હતા. એમની નોકરીની શરૂઆત દયાદરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે થઈ હતી. પછી પુના જઈ પી.ટી.સી ટ્રેન્ડ થયા. પોતાના ભાઈ બહેનોની વય હજુ ઘણી નાની હતી ત્યારે જ માતા અને પિતા બન્નેના અકાળે થયેલા અવસાનથી યતીમ, નિરાધાર થઈ ગયેલા ચાર ભાઈઓ અને એક બહેનના બહોળા કુટુંબનું નેતૃત્વ સંભાળી લઇ તેમના જીવનનિર્વાહની જવાબદારી પોતે મોટાભાઈ હોવાના નાતે સ્વયંભૂ ઉઠાવી લેવાનો મનોમન નિર્ણય કર્યો. ૫૦ના દાયકામાં અમદાવાદ જેવા મોટા શહેરમાં શિક્ષકો માટે કારકિર્દીની વધુ સારી તકો ઉપલબ્ધ છે એવી અંત:પ્રતીતિ થતાં ટંકારીઆ ગામના જનાબ અહમદભાઈ છેલા, જનાબ અલ્લીભાઈ મઢી, જનાબ ઈબ્રાહીમભાઈ ગોપાળજી જેવા શિક્ષકોની જેમ વર્ષ ૧૯૪૫ની આસપાસ ટંકારીઆ છોડી અમદાવાદમાં ઠરીઠામ થયા. ભારતને આઝાદી મળી એના દોઢ માસના સમય પછી તા. ૨૭-૦૯-૧૯૪૭ ના દિવસે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તાબાની ઉર્દૂ શાળામાં શિક્ષક તરીકેની મળેલી તક ઝડપી લીધી ત્યારથી તેમણે કદી પાછું વળીને જોયું નથી. વર્ષ ૧૯૮૨માં ઉર્દૂ શાળાઓના સુપરવાઈઝર તરીકે બઢતી મળતાં તા. ૩૦/૦૬/૧૯૮૬ના રોજ સેવા નિવૃત્ત થયા ત્યાં સુધી ઉર્દૂ શાળાઓના શિક્ષણનું સ્તર સુધારવા તનતોડ મહેનત કરી. “વાડી” ના હુલામણા નામથી ઓળખાતા તેઓના પત્ની આયસાબેન પણ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.

વર્ષ ૧૯૫૦માં અમદાવાદ જેવા મોટા શહેરમાં રોજીરોટીની તલાશમાં આવીને ઠરીઠામ થવા માટે સતત મથામણ કરી રહેલા વહોરા પટેલ સમાજના ૮૦ જેટલા કુટુંબો છુટા છવાયા રહેતા હતા. મે-જૂન ૧૯૫૦માં અમદાવાદમાં એક વ્હોરા પટેલના ઘેર મરણ થયું. મરણના આ દુઃખદ પ્રસંગે ગણ્યાગાંઠયા પટેલો ભેગા થયા હતા. રોજીરોટીની ખોજમાં અમદાવાદ આવીને વસેલા કુટુંબો જે-તે સમયે હજુ પૈસેટકે સધ્ધર થયા ન હતા. મય્યતના કફન દફન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં અને એ માટેની જરૂરી રકમ એકત્રિત કરવામાં પડેલી ઘણી કઠણાઈઓએ જાણે બધાંની આંખ ખોલી નાંખી અને “આપણી પણ એક સંસ્થા હોવી જોઈએ” એવી ચર્ચાએ આકાર લીધો. આ ચર્ચાએ જેનો પાયો નાંખ્યો હતો એને એના અંજામ સુધી પહોંચાડવા માટે ચાર-પાંચ મહિનાની આપસી વાતચીતના ફળસ્વરૂપે અંતે એક સંસ્થાની સ્થાપના કરવાનું આયોજન તેના અંતિમ તબક્કે પહોચ્યું. મરહૂમ જનાબ મુહંમદ વલી મુકરદમ સાહેબે પોતાના જમાલપુરની કાચની મસ્જીદ પાસે આવેલા મકાનમાં તા. ૮-૧૦-૧૯૫૦ના રોજ સમાજનાં વડીલો ભેગા થાય એ માટેની ગોઠવણ હોંશે હોંશે કરી આપી. ઠોસ ચર્ચાના અંતે “ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળ”ની સ્થાપના થઈ. ૦૦-૨૫ પૈસાની સભ્ય ફી થી ભેગા થયેલ ભંડોળમાંથી નાનાંમોટાં સમાજસેવાના કાર્યોની શરૂઆત થઈ. મરહૂમ જનાબ મુહંમદ વલી મુકરદમ સાહેબે શરૂઆતના ઘણા વર્ષો સુધી સેક્રેટરી તરીકેની સેવા આપી અને પોતાના જ નાના મકાનમાં પોતાની અગવડો સાથે સમાધાન કરીને પણ સંસ્થાની મીટીંગો પોતાના ખર્ચે યોજતા રહીને સમાજસેવાનું જે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું એ કાબીલે તારીફ છે. વર્ષો સુધી આ સંસ્થાનું કાર્યાલય તેઓનું ઘર રહ્યું. માત્ર ૦૦-૨૫ પૈસાની સભ્ય ફી થી શરૂઆત કરનાર ભરૂચી વહોરા પટેલોની આ અજોડ સંસ્થાના દીર્ઘદૃષ્ટિ ધરાવતા હોદ્દેદારોને મુસાફરો, ધંધા રોજગાર માટે અમદાવાદ આવતા નાના-મોટા  વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરીની તલાશમાં અમદાવાદમાં આવી રોકાતા ભરૂચી વહોરા પટેલોની ફીકર થઈ અને અમદાવાદમાં પ્રથમ પટેલ મુસાફિરખાના માટે મરહૂમ જનાબ એહમદ ઈસ્માઈલ છેલા (ટંકારીઆ), મરહૂમ જનાબ મુહંમદ વલી વકીલ અને મરહૂમ જનાબ અલી ઈસ્માઈલ મઢી માસ્તર (ટંકારીઆ) જેવા વડીલોની કલ્પના અને સૂચનથી પટેલ મુસાફિરખાના માટે કાર્યવાહી થઈ. આ ઉપરાંત આ સંસ્થા મારફતે ગરીબો, વિદ્યાર્થીઓ અને બેવાઓને મદદ કરવા જેવા દીર્ઘદૃષ્ટિ સાથેના કેટલાક અત્યંત સરાહનીય કામો પણ થતા રહ્યા. આ સંસ્થાએ ભરૂચી વહોરા પટેલોની જૂની સંસ્થા તરીકે મોભાનું સ્થાન પ્રાપ્ત કર્યું એ માટે આત્મભોગ આપનારા પાયાના નામી-અનામી કાર્યકર્તાઓની યાદીમાં પાયાના પથ્થરોમાંના એક પથ્થર  તરીકે જનાબ મુહંમદ વલી મુકરદમ સાહેબનો ખચીત સમાવેશ થાય એ નિર્વિવાદ હકીકત છે.

વર્ષ ૧૯૬૯માં અમદાવાદમાં ખૂબ મોટા પાયાના ભયાનક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં મુસલમાનોની ખુબ જ ભારે જાનમાલની ખુવારી થઈ હતી અને અસરગ્રસ્ત મુસલમાનોને રાહત છાવણીઓમાં આશરો લેવો પડ્યો હતો. તે સમયે ગુલામ માસ્તર મુકરદમે બીજા સમાજ સેવકો સાથે રહીને જાનની પરવા કર્યા વિના તોફાનવાળા વિસ્તારમાં જાતે જઈને, રાતદિવસ ખડેપગે રહીને શરણાર્થીઓને અનાજ, કપડાં જેવી જરૂરી વસ્તુઓ પહોંચાડી પોતાનાથી બનતી મદદ કરી હતી. નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ તેમની સમાજસેવાની પ્રવુતિ સતત ચાલુ જ રહી હતી. અમદાવાદની એક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા “એફ.ડી.એજ્યુકેશન સોસાયટી” કે જે કે.જી.થી લઈને કોલેજ સુધી અને ટેકનીકલ કોલેજ પણ ચલાવે છે તેના મરણપર્યંત ડાયરેક્ટર રહ્યા હતા.

સને ૧૯૯૩માં “ગુજરાત ટુડે” દૈનિક સમાચારપત્રનું પ્રકાશન જેના દ્વારા થાય છે એ “લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ”ના ટ્રસ્ટી બન્યા અને પાછળથી સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી ત્યારે ગુજરાત ટુડેના વિકાસ માટે અને ફેલાવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ગુજરાત ટુડેનું એક સારું મકાન ઉભુ થાય, અને રંગીન આવૃત્તિ માટે અધ્યતન મશીનરી ઉપલબ્ધ થાય તે માટે તેઓ અન્ય ટ્રસ્ટીઓ સાથે ભંડોળ ભેગું કરવા સમગ્ર ગુજરાતને ખુંદી વળ્યા હતા. ખૂટતું જરૂરી ભંડોળ ભેગું કરવા જનાબ અઝીઝ ટંકારવી સાહેબના સુંદર સૂચનથી યુ.કે. સ્થાયી થયેલા આપણા ભરૂચના સધ્ધર વહોરા પટેલો પાસે ઉઘરાણું કરવા જનાબ યુનુસભાઈ ખાંધિયા સાથે યુ.કે.નો પ્રવાસ કરી ગુજરાત ટુડેનું હાલનું મકાન ઉભુ કરવામાં અને પ્રેસ માટે લેટેસ્ટ મશીનરી વસાવવા તેમણે સિંહ ફાળો આપ્યો હતો.

આમ તેઓ વહોરા પટેલ સમાજના ઉત્થાન માટે, સમગ્ર કોમની ભલાઈ અને પ્રગતિ માટે લોકસેવાના આવા અનેક કામો કરતાં કરતાં ૧૭-૦૧-૨૦૦૪ના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહીને આખિરતની દુનિયા તરફ હંમેશા માટે કૂચ કરી ગયા. અલ્લાહ રબ્બુલ ઇઝઝત તેમની નાની મોટી તમામ ભૂલોને માફ કરી એમની ખિદમતોનો બેહતરીન બદલો આપી જન્નતમાં આલા મુકામ અતા ફરમાવે. આમીન.

                                                          ચિઠ્ઠી ના કોઈ સંદેશજાને વો કોનસા દેશજહાં તુમ ચલે ગયે

સમાજના ઘડતરમાં એક શિક્ષક કેટલો મોટો ફાળો આપી શકે એનું જીવંત ઉદાહરણ મરહૂમે પૂરું પાડ્યું છે. સમાજસેવાના અનેક કાર્યોમાં પોતાનું સમગ્ર જીવન વિતાવ્યું છતાં હજુ કશુંક નવું કામ કરવું છે એવી હંમેશાં ઈચ્છા રાખનારા એ પરોપકારી ઈન્સાન મરહૂમ જનાબ મુહંમદ મુકરદમ સાહેબને શબ્દાંજલિ આપતાં ૨૫, જાન્યુઆરી ૨૦૦૪ ગુજરાત ટુડેની રવિવારની પૂર્તિમાં લેખક હર્ષદ પંડ્યા લખે છે “મને ખબર છે ત્યાં સુધી મુકરદમભાઈએ અંતિમ શ્વાસ સુધી જિંદગી પાસેથી કામ લીધું છે. કોઈ પણ સ્પૃહા કે અપેક્ષા વિના કાર્ય કર્યે રાખવું એ જ એમનો જીવનમંત્ર હતો.” લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ અને ગુજરાત ટુડે પરિવાર દ્વારા પ્રકાશિત થયેલા  આવા જ અન્ય એક લેખમાં લખ્યું છે “…તેમની તબિયત નાદુરસ્ત થઈ અને હોસ્પિટલમાંથી રજા પણ મળી ત્યારે આરામ કરવાને બદલે તેમણે પ્રેસ પર હાજરી આપવાનું જારી રાખ્યું પણ …છેલ્લે આવેલો બ્રેઈન સ્ટ્રોક કારમો સાબિત થયો …” આ વાંચીને ‘ગાલિબ’ નો એક શેર યાદ આવે છે :

કિસ્મત કી ખૂબી દેખિયે તૂટી કહાં ક્મંદ
દો ચાર હાથ જબ કી લબે-બામ રહ ગયા
                                                  – ગાલિબ

(નસીબની ખૂબી પણ જોવા જેવી છે ! ન તૂટવાવાળી રસ્સી છેવટે ક્યાં જઈને તૂટી? અટારીનો કિનારો જ્યારે માત્ર બે-ચાર હાથ જ બાકી હતો.)

3 Comments on “Mukardam Muhammed Vali

  1. Having met him on more than one occasion during my visits to Gujarat Today office, I can say that he was a great character, a typical Bharuchi Vahora Patel and a true Tankarian; fearless in his approach and speech, fighting for the just cause, standing by the side of the poor and the helpless, devoted to the welfare of his community. May Allah the Merciful accept all his good, charitable deeds, forgive his shortcomings and grant him a lofty place in Jannatul Firdaus.

  2. I always look forward to reading this article as it’s well researched content allows me to learn about the these great personalities and their contributions to the society & village. In lot of ways these great personalities’ efforts and sacrifices shaped our Community and Village over the years. After learning about them, we realize that many of the great institutions or initiatives of current society are the result of tireless efforts from these individuals that I barely knew much or didn’t know lot of many other interesting facts. These articles will also serve as a great record for our future generations to help understand and learn about our history and its people.

    Many thanks to Nasir Bhai for tremendous amount of efforts and hard work he pours in to make these articles very informative.

  3. Dear Nasirbhai : Asslamo Aalaykum,

    The article is very nice which heartily prepare by you about our beloved father late Mohmmed Vali Mukardam (Gulam Master). A perfect and excellent tribute to proper person who dedicated his life for our community. This article is useful for our community that how we can dedicated our self for our community. We will never forget to you and your all team.

    Once again thanks to you and your team for published this article in “kaha gaye woh log.”

    We make dua for you and your entire team members. Allah Ta’lla always make your life happy, healthy with full of cheer and joy Aamin.

    Love and Duaas from: Aiyub Mohmmed Mukardam, Mustakali Mohmmed vali Mukardam and Mukardam family.
    Ahmedabad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*