Rustam Master Chowkwala

મુહમ્મદ દાદાભાઇ પટેલ (ઉર્ફે રૂસ્તમ માસ્તર ચોકવાલા)

જન્મ ૦૧-૦૯-૧૯૩૧ મરણ ૦૧-૦૭-૨૦૧૬

રજૂ કર્તા: મહેક ટંકારવી

ટંકારીઆના કેટલાક યાદ રહી જાય એવા પ્રાથમિક શાળાના કર્મિષ્ઠ, સેવાભાવી અને ગામની અને સમાજની ઉન્નતિ ઇચ્છતા સક્રિય પણ ચૂપચાપ કામ કરવામાં માનતા અનેક શિક્ષકોમાં આદરણીય મરહૂમ રૂસ્તમ દાદાભાઇ ચોકવાલાનો પણ સમાવેશ થાય છે. એમનો જન્મ ઇ.સ. ૧૯૩૧માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં અને માધ્યમિક શિક્ષણ હાંસોટમાં બોર્ડિન્ગમાં રહીને ત્યાંની માકુવાલા હાઇ સ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. તેમણે ટીચર્સ ટ્રેનિંગ સર જે. જે. સોરાબજી કોલેજ, સુરતમાં લીધી હતી. શિક્ષક તરીકેની કા કારકિર્દીની શરૂઆત ટંકારીઆ પ્રાથમિક શાળાથી કરી. ત્યાર પછી પાંચેક વર્ષ હાંસોટ મુકામે પ્રાથમિક શાળામાં નોકરી કરી. વાલિયા તાલુકાના જંગલ વિસ્તારના એક ગામમાં શિક્ષણ નિરીક્ષક તરીકે મુકાયા જ્યાં એમની જીપગાડી પાસેથી બે ત્રણવાર વાઘ પસાર થવાના બનાવોને લીધે એમના પિતાશ્રીએ એ નોકરી છોડી ગામમાં આવી જવા સમજાવતાં તેમની વાત માની જોખમને ટાળવા નોકરી છોડી ટંકારીઆ પરત આવી ગયા હતા. એમની પાસે ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળામાં ભણેલા જનાબ ઇકબાલ કાયમ અને જનાબ મજીદ કાગદીનાથા જેવા ઘણાં લોકો તેમને એક ખૂબ સારા અને નિષ્ઠાવાન શિક્ષક તરીકે યાદ કરે છે.

શિક્ષણપ્રેમી મરહૂમ જનાબ ઇસ્માઇલ બાપુ માસ્તરની જેમ એમને પણ ગામની શૈક્ષણિક પ્રગતિમાં ઊંડો રસ હતો. ગામના વિદ્યાર્થીઓને ગામની હાઇ સ્કૂલમાં સારું, ગુણવત્તાવાળું શિક્ષણ મળે અને આપણી ભાવિ પેઢીમાં શિસ્ત અને સંસ્કારનું વાવેતર થાય એ બાબત તેઓ પણ હંમેશાં ચિંતિત રહેતા હતા. ટંકારીઆ હાઇ સ્કૂલના પ્રથમ બાંધકામ વખતે તેમણે ખજાનચી તરીકેની સેવા બજાવી હતી. ટંકારીઆ વેલ્ફેર સર્કલના સક્રિય સભ્ય હતા અને જનાબ આદમભાઇ દાઢીવાલા, મરહૂમ જનાબ ઇસ્માઇલ માસ્તર ખોડા, મરહૂમ જનાબ વલીભાઇ કીડી વગરે મિત્રો સાથે મળી ગામોન્નતિના કામોમાં પણ યથાશક્તિ યોગદાન આપતા. આઝાદી સમયની કોંગ્રેસના તેઓ એક સંનિષ્ઠ અને સક્રિય કાર્યકર હતા. ચૂંટણી પ્રચારમાં ભાષણો પણ કરતા.

તેઓ ક્રિકેટના પણ ભારે શોખીન હતા અને ગામની જનાબ ઇબ્રાહીમભાઇ ડાયાની કેપ્ટનશીપ વાળી પ્રખ્યાત ટીમમાં એક અચ્છા ઓપનીંગ બેટૄસમેન હતા. સક્રિય એટલા કે ઠેઠ પંચાવન વર્ષની ઉંમર સુધી કિક્રેટ રમતા રહ્યા હતા. બધી મેચો ટીવી પર અવશ્ય જોતા. તેઓ ગામના નવયુવાનોને અને જ્યાં નોકરી કરતા હતા ત્યાં વિદ્યાર્થીઓને ક્રિકેટનું કોચીંગ પણ આપતા હતા.

એમનું લગ્ન ગુજરાતીના ખ્યાતનામ હઝલકાર મરહૂમ જનાબ ‘બેકાર’ સાહેબ રાંદેરીના સુપુત્રી હાજરાબેન સાથે થયું હતું. હાજરાબેન પણ શિક્ષિકા હતાં એટલે આ બેઉ શિક્ષિત યુગલની જોડી સરસ જામી હતી. બંનેવ સાહિત્ય અને તેમાંયે ઉર્દૂ સાહિત્ય અને ગઝલોના ખાસ ચાહક હતાં. એક સારા ગઝલ ફહેમ પણ હતાં. મને યાદ છે કે એમને ત્યાં મોટા ફળિયામાં ચોકમાં આવેલા એમના મકાનમાં ઊનાળાના વૅકેશનમાં અદમ ટંકારવી સાથે અમે બે ત્રણ સાહિત્ય રસિક મિત્રો બેસવા જતા ત્યારે મુખ્યત્વે સાહિત્યને લગતી વાતો થતી. ઉર્દૂના જાણીતા ગઝલકાર ગાલિબની ગઝલોની વાત થતી. ગાલિબના શેરો આમ પણ અમારા જેવા માટે તે વખતે સમજવા મુશ્કેલ હતા પણ રૂસ્તમ માસ્તરની મદદથી તે સમજવાનું અને તેમના ગૂઢાર્થને પામવાનું સરળ બની જતું. મને બરાબર યાદ છે કે ધોમધખતા ઊનાળાની એક બપોરે અમે એમને ત્યાં બેસવા ગયા તો હાજરાબેને પ્રથમ તો અમને સરસ મજાનું તડબૂચનું ઠંડુ શરબત પીવડાવેલું અને ત્યાર બાદ ગાલિબના પેલા પ્રખ્યાત શેર:

 “આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક,
કોન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક”

વિષે અને તેનો અર્થ પામવા વિષે લાંબી ચર્ચા ચાલેલી. ગાલિબ ઉપરાંત અલ્લામા ઇકબાલ ડ્ડરહઢ્ઢના કલામ વિષે પણ ચર્ચાઓ થતી. તે જમાનામાં અમને ઇકબાલનો “શિકવા- જવાબી શિકવા” મોઢે યાદ હતો જે અમે હોંશભેર સંભળાવતા અને રૂસ્તમ માસ્તર તેમના અર્થો અમને સમજાવતા.

ટંકારીઆ પ્રાથમિક શાળામાં નોકરી દરમિયાન ઘરે અભ્યાસ કરી તેમણે અંગ્રેજી વિષય સાથે એક્ષ્ટર્નલ બી.એ.ની ડિગ્રી મેળવી હતી. થોડાંક વર્ષો વલણ હાઇ સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી કર્યા પછી સસરાબાજી મરહૂમ ‘બેકાર’ સાહેબ અને પત્ની હાજરાબેનના આગ્રહને વશ થઇ નોકરીમાંથી વરસની રજા લઇને બી.એડ. કરવા વડોદરા ગયા જ્યાં એમ. એસ. યૂનિવર્સિટીમાંથી એમણે ૧૯૫૨-૫૩માં બી.એડ.ની ડિગ્રી મેળવી હતી. પછી ત્રણેક વર્ષ કંબોલી હાઇ સ્કૂલમાં અને ત્યાર બાદ ૧૯૭૭માં ભરૂચ એમના પુત્ર સાથે રહેવા ચાલ્યા ગયેલા અને ત્યાંથી નિવૃત્તિ માટે ૫૮ની વય મર્યાદા હોવા છતાં લડત લડી ૬૦ વર્ષ ૧૯૮૮માં નિવૃત્ત થયા ત્યાં સુધી પરિયેજ હાઇ સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે સેવા બજાવતા રહ્યા હતા.

શિક્ષણપ્રેમી હતા એટલે નિવૃત્ત થયા પછી પણ નિરાંતે બેઠા નથી. ભરૂચની જાણીતી સેવાભાવી સંસ્થા ‘અંજુમને ઇમદાદુલ મુસ્લિમીન’ અને તેના આશ્રય હેઠળ ચાલતા ‘ઇકરા એજ્યુકેશન સેન્ટર’ની અનેકવિધ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓમાં હમેશાં પરોવાયેલા રહી એમનાથી બને તે સેવાઓ ત્યાં પણ આપતા રહ્યા. ત્યાં મૌલાના હબીબુર્રેહમાન મતાદાર જેવા અભ્યાસી અને દીન દુનિયાના ઇલ્મ અને પ્રવાહોથી ખૂબ જ વાકેફ એવા નિખાલસ અને કર્તવ્યનિષ્ઠ સમાજસેવકનો સંગ મળ્યો. સવારે સાયકલ પર સવાર થઇને ઘરેથી નીકળી પડતા અને બપોર સુધી સંસ્થામાં રહી પોતાના શૈક્ષણિક અનુભવનો લાભ શિક્ષકોને અને કોમનાં બાળકોને પણ આપતા રહ્યા હતા.

મૌલાના હબીબુર્રેહમાનના શબ્દોમાં “ભરૂચમાં સાયકલથી જ બધે જવા આવવાનું રાખતા. કસરતની કસરત અને પૈસાની બચત. નમાઝ, રોઝા અને ઝકાત આપવાના પાબંદ હતા. શિક્ષણને લગતા વકતવ્યો કે પ્રોગ્રામોમાં પણ અવશ્ય જતા. અંગ્રેજી ઘણું સારૂં જાણતા હતા. વિચાર પ્રેરક પુસ્તકોનું અને સમાચાર પત્રોનું વાંચન પણ નિયમિત કરતા. ઇસ્લામનું પણ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. સંસ્થાના ટ્રસ્ટી તરીકે ૧૨ વર્ષ સેવા આપી હતી. મોટું મિત્રમંડળ હતું. મેળમેળાપમાં માનતા. ઝઘડા ફસાદથી દૂર રહેતા હતા. એમનું હ્રદય લોકલાગણીથી ભર્યું ભર્યું હતું. ઇશાની નમાઝ પછી તરત સૂઇ જવું અને સવારે વહેલા ઊઠી જવું એમની આદત હતી.”

છેલ્લે વધતી ઉંમર સાથે શરીર ઢીલું થયું અને પાર્કિન્સન રોગને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ઘણાં લાંબા સમય સુધી કમજોરી અને બીમારીને લીધે ઘરની બહાર નીકળી શકતા ન હતા. સને ૨૦૧૬માં ૮૫ વર્ષની લાંબી ઉંમર ભોગવી તેઓ અલ્લાહને પ્યારા થયા હતા. તેમની દફનક્રિયા મુસ્લિમ કબ્રસ્તાન મહંમદપુરા,ભરૂચમાં કરવામાં આવી હતી.

અલ્લાહ રબ્બુલ ઇઝઝત મરહૂમની સેવાઓને કબુલ કરી પોતાને ત્યાં આલા મુકામ નસીબ ફરમાવે.

3 Comments on “Rustam Master Chowkwala

  1. Janab Mahek Tankarvi Saheb

    You have done an excellent job of paying a well deserved tribute to the remarkable personality of Rustam Saheb Chowkwala whose achievements in education and cricket in Tankaria is tremendous and unparalleled. The scholarly article is well researched and written with emotion and due respect to Rustam Saheb.

    On reading the article, you have brought back so many of my childhood memories. He was a brilliant, staunch and steadfast opening batsman of Tankaria. Winner of the Cricket Club in the 1950s and 60s. He used to keep the crease for hours at a time and made the bowlers tired and exhausted.

    Well done and congratulations for featuring such a personality in Kahan Gaye Wo Log. He will be remembered for a long time in our hearts. May Allah Almighty bless him and give him a better abode in Jannatul Firdaus, Ameen. Yacoob bhai well done!!!

  2. Assalamu Alaykum. My compliments to Janab Yacoob bhai Mahek. Article has indeed been written very well, illustrating in detail the enthusiasm, devotion, dedication, hard work and efforts put in by Marhoom Haji Rustam Master. Article makes very interesting reading. May Allah SWT grant him abode in Jannat ul Firdaus.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*