Yusuf I Shaikh (Mochi Saheb)

જનાબ યુસુફ આઇ. શેખ (મોચી સાહેબ)

Yusuf Mochi 1

૨૦-૦૩-૧૯૩૬ – ૦૪-૦૯-૨૦૧૪

રજૂ કર્તા: જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, લંડન

સિતાર તો તૂટી ગઇ, કલરવ એનો રહી ગયો,
મોરલો તો ઊડી ગયો, ટહૂકો એનો મૂકી ગયો

૪થી સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ MyTankaria વૅબસાઇટ પર એક દુ:ખદ સમાચાર જ્યારે પ્રગટ થયા ત્યારે ટંકારીઆ ગામ સહિત સમગ્ર પંથકના વિશાળ વિદ્યાર્થી  જગતે અને ગામજનોએ એક સખત ભૂકંપશો આંચકો અનુભવ્યો. એ સમાચાર ટંકારીઆ હાઇ સ્કૂલના વિદ્યાર્થી જગતના વહાલસોયા અને આદરણીય શિક્ષક જેમને સૌ યુસુફ સાહેબ મોચીના નામથી ઓળખતા હતા તેઓ આ ફાની દુનિયાથી વિદાય લઇ આખેરતની જિંદગી તરફ પ્રયાણ કરી ગયા હતા તેને લગતા હતા. ઇન્ના લિલ્લાહે વઇન્ના ઇલયહે રાજેઊન.

એમનો જન્મ વડોદરા જિલ્લાના મિયાંગામ-કરજણ ગામમાં એક શ્રમજીવી પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કરજણમાં પૂરું કરી માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની શાહ એન. ડી. સાર્વજનિક હાઇ સ્કૂલમાં લીધું. રાજપીપળાની પી.ટી.સી. કોલેજમાં બે વર્ષનો કોર્ષ કરી ત્યાંથી સી.પી.એડ.ની ડિગ્રી મેળવી.

૧૯૬૦-૬૧માં ટંકારીઆ હાઇસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે જોડાયા. આ સમયે હું ધોરણ ૧૧માં ભણતો હતો એટલે આ નવયુવાન શિક્ષકનો પ્રથમ પરિચય સ્કૂલમાં જ થયો હતો. પ્રથમથી જ ખૂબજ ઉત્સાહી અને ખંતીલા આ શિક્ષક વ્યાયામના પીરિયડમાં દંડ બેઠક તથા દંડ પીલાવવા જેવી કસરતોથી અમને એટલા થકવી નાંખતા કે અમે સૌ પરસેવે રેબઝેબ થઇ જતા. એમની વ્યાયામ કરાવવાની પદ્ધતિ એવી કે વિદ્યાર્થીઓ હોંશે હોંશે પી.ટી.ના વિષયમાં રસ લેતા. વ્યાયામિક શબ્દ પદાવલીઓ અને સુત્રોના સુરો તથા વ્યાયામના ઢોલ, ડંબ-બેલ્સ, ખંજણી-મંજણી વગેરે વાજિંત્રોથી તથા યુસુફ સાહેબની સિંહ ગર્જનાઓથી શાળાનું સમગ્ર પટાંગણ ગુંજી ઊઠતું.

યુસુફ સાહેબ વિદ્યાર્થીઓ પાસેથી શિસ્ત, નિયમિતતા અને આજ્ઞાપાલનનો સવિશેષ આગ્રહ રાખતા. વ્યાયામ વેળા પોતે યુનિફોર્મ પહેરતા અને વિદ્યાર્થીઓ પાસે પણ ચુસ્તપણે એનું પાલન કરાવતા. વ્યાયામ ઉપરાંત ગણિત, અલજીબ્રા અને ભૂમિતિ જેવા વિષયોમાં પણ સારૂં જ્ઞાન ધરાવતા હતા. ગામમાં સહુને માત્ર નામથી નહીં પણ તેમના જીવનની નાની નાની વિગતો સાથે ઓળખે. ટંકારીઆ ગામને અને ગ્રામજનોને આટલું ચાહનારા આવા પ્રમાણિક અને નિખાલસ શિક્ષક આ સમયમાં હવે મળવા મુશ્કેલ છે. શાળાના સ્નેહ સંમેલનો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અભિનય ક્ષેત્રે વિના સંકોચ સક્રિય ભાગ લેતા ત્યારે વિદ્યાર્થીઓ પોતાના પ્રિય ગુરુ સાથે આનંદ વિનોદની મજા માણતા.

Yusuf Mochi 2

ટંકારીઆ ગામ અને ટંકારીઆ હાઇ સકૂલને પોતાની કર્મભૂમિ બનાવી લગભગ ૩૫ વર્ષ સુધી સતત વિદ્યા સેવા કરી. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ માટે રાત્રિ વર્ગો શરૂ કર્યા અને પોતે પણ મોડી રાત સુધી જાગરણ કરતા અને વિદ્યાર્થીઓને પોતાનાથી બનતી તમામ સહાય કરતા. વિદ્યાર્થીઓને પર્યટને લઇ જવા, ક્રિકેટ અને બીજી રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવું, ગરીબ બાળકો માટે ફી તેમજ યુનિફોર્મની વ્યવસ્થા કરવી, પોતાની આર્થિક હાલત સદ્ધર ન હોવા છતાં મફત ટયુશન આપવું વગેરે કામગીરી ઉમદા રીતે બજાવતા. એજ કારણે તો આવા બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષક પ્રત્યે સૌ કોઇને આદરભાવ રહેતો. એક સફળ શિક્ષક તરીકે જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પારિતોષિકો મેળવી “બેસ્ટ સ્કૂલ એવોર્ડ” અને “નેશનલ ડિસિપ્લીન સ્કીમ અવોડ” જેવા અનેક એવોર્ડથી પણ સન્માનિત થયા હતા.

૧૯૯૩માં ૩૫ વર્ષની સેવા બજાવી ચૂકેલા આ નિષ્ઠાવાન શિક્ષક જ્યારે નિવૃત્ત થાય છે તો એમની સમક્ષ પિતા-પુત્ર અને પૌત્ર સુધીનું એક વિશાળ વિદ્યાર્થીવૃંદ ઉપસ્થિત હતું. કોઇ પરિચિત યુવાન સામે મળે તો “તારા પિતા પણ મારી પાસે ભણેલા છે” એમ કહી મનોમન રાજી થતા. નિવૃત્તિ બાદ ૨૦૦૦ની સાલમાં અજમત ખાંધિયા, બર્મિગ્હામ, યુ.કે.ના આમંત્રણથી તેઓ ઇંગ્લૅન્ડના પ્રવાસે પધારે છે. આ પ્રવાસની તમામ જવાબદારી ઇકબાલ ધોરીવાલા, ડયુઝબરી, અનવર બચ્ચા અને શફીક પટેલ, લંડન તથા તેમના અન્ય ચહિતા વિદ્યાર્થીઓએ ઉપાડી લીધી હતી. જ્યાં પણ ગયા ભાવભીનો સત્કાર થયો. લંડન પધાર્યા તો મને પણ એમના યજમાન (host) બનવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું. ૧૦-૧૨ દિવસના રોકાણ દરમિયાન ટંકારીઆ હાઇસ્કૂલ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સતત યાદ કરી તેમની પ્રશંસા કરતા રહ્યા. કેટલીકવાર ભૂતકાળના પ્રસંગોનાં સંભારણાં કરતાં તેમની આંખો અશ્રુભીની થઇ જતી. લંડન શહેર અને અન્ડરગ્રાઉન્ડ રેલ્વે જેવી એની તમામ અદભૂત સુવિધાઓ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા. હું ૧૯૬૬-૬૭માં ટંકારીઆ હાઇ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો ત્યારે શિક્ષકની નોકરી દરમિયાન બંધાયેલા અમારા મૈત્રી સંબંધો મારે ત્યાંના તેમના રોકાણ દરમિયાન વધુ મજબૂત થયા અને મને એમના વ્યક્તિત્વનો વધુ નિકટથી પરિચય થયો. મિત્રો સાથેના વાર્તાલાપમાં એમનું સમગ્ર વ્યક્તિત્વ સંપૂર્ણપણે વ્યક્ત થતું હતું. યુસુફ સાહેબની આ જગતમાંથી ચીર વિદાય થતાં મારા જેવા એમના અનેક મિત્રો, ચાહકો, ટંકારીઆ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એક આત્મીય, સન્માનિત, સંનિષ્ઠ, આદર્શ, સ્વમાની, દયાળુ, શિસ્તપ્રેમી અને આજીવન શિક્ષક કહી શકાય એવો એક પ્રેરણાદાયી શિક્ષક ગુમાવ્યો છે.

મોટી ઉંમરે પણ તેઓ કોઇ યુવાનને શરમાવે એવી સ્ફુર્તિથી કામ કરતા અને તેમના નિજાનંદમાં મસ્ત રહેવાના સ્વભાવને કારણે કોઇ પણ અપરિચિત વ્યક્તિને પણ પોતાનો મિત્ર બનાવી લેતા. એક ટૂંકી માંદગી બાદ ધૂપસળી માફક જ્યાં પણ ગયા ત્યાં પોતાના સદ્દગુણોની સુવાસ પાથરી આખરે અલ્લાહને પ્યારા થયા.

ટંકારીઆ ગામ બે વ્યક્તિઓની અજોડ સેવાઓને કદી પણ વિસરી શકશે નહીં. એક હતા ગામના બીમારોની એકધારી સેવા કરનાર માનનીય ડૉ જી.એસ. શુકલ સાહેબ અને તેમના જેવાજ સેવાભાવી અને વિનમ્ર યુસુફ સાહેબ મોચી જેમણે ગામની શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે વર્ષો સુધી અમુલ્ય સેવા કરી છે. યુસુફ સાહેબ તેમની પાછળ એમના પુત્રો સાબીર, શબ્બીર, શરીફ, અબ્દુલ અને પુત્રી મેહમુદા તથા એમના ધર્મપત્ની મોહતરમા કુલસુમ બહેનને છોડી ગયા છે. તેમને ભરૂચ શહેરના પીર બાવા રયહાનના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા છે જ્યાં એક સુફી સંત સમા બુઝુર્ગના સાન્નિધ્યમાં તેમની અંતિમ આરામગાહ છે.

અલ્લાહ પાક આ નેકદિલ ઇન્સાનની બાલ બાલ મગફેરત કરે અને તેમની બેનમુન સેવાઓને કબુલ કરી તેમને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ નસીબ ફરમાવે એવી હ્રદયપૂર્વક દુઆ ગુજારી આ શ્રદ્ધાંજલિને સમાપ્ત કરું છું.

ભલે  ભૂલો   બીજું   બધું,  ઉસ્તાદને   પણ  ભૂલશો  નહીં
અગણિત છે ઉપકાર એમના પણ, એ કદી વિસરશો નહીં

10 Comments on “Yusuf I Shaikh (Mochi Saheb)

  1. મને સૌપ્રથમ મોચીસાહેબ વિશે ટંકારીઆ હાઈસ્કુલના નવી બિલડીંગના ઉદ્ઘાટન સમારંભમાં જાણવા મળ્યુ. સૌ તેમની ખૂબ પ્રશંસા કરતા.
    અલ્લાહ એમને બેહતરીન બદલો આપે.
    – Ismail mama, I think you had worked for short time in Tankaria High School but did same as Mochi saheb.
    – Last two lines are modified very well.

  2. A Tribute To My Favorite Teacher
    Thank you for teaching me more than just school.
    The most underrated and unappreciated job is being an educator. Without those who are made to teach, no one would be made to doctor, engineer or conduct business. Teachers lay the foundations upon which every child builds their goals. Without strong educators, a student’s academic reach and potential is severely limited. Luckily for me, I was at an AMAZING Tankaria High School with the very best teachers. It wasn’t until my senior year that I met my favourite teacher, Yusuf Saheb. He truly exemplified successful teaching, and he taught me how to have faith in my own abilities.
    I have not enough words to dedicate to his teaching ability as well as physical training activities. May ALLAH S.W.T. grant him jannatul firdous in jannah. Ameen.

  3. An absolute gem and fantastic human being and very hard working and unselfish teacher, to me he was a friend and teacher at the same time, he inspired me a lot in study, sports and cultural activities. Myself and the whole Tankaria owe him a lot. May Allah s.w.t. grant him best place in Jannah. A’min.

  4. Yusuf Saheb was a very humble, nice and kind person.
    He served in High School without any expectations. He always encouraged all students to progress well in their studies, also in sports activities. He was very friendly with every one and intermingled with all tankarvies. As Ismail Master writes in his well written article, may ALLAH S.V.T give him Jannatul Firdous. Ameen

  5. A very fitting and well deserved tribute to our honourable teacher and well wisher. No words can do enough justice to his dedication and hard work. May Allah SWT grant Yusuf Bhai abode in Jannah.
    Article very well written Ismail bhai; the writer of this article. Perfect expression of feelings and tribute.

  6. Great teacher. Great ability to recognise students ability and capacity. Always tried to help that way to students with free tuition with good advice, even financial help for poor students. Moreover, he got more feeling for Tankaria than anybody else. Always miss him, great nature, big hearted, we have not words to admire his service to Tankaria and Tankaria High School.

    • Another heart touching article about his late friend & teacher Marhum Janab Yusuf Sheikh (Mochi saheb) by Janab Ismail Saheb.
      In limited words he covered 35 years of teaching services of Marhum Janab Yusuf Sheikh Saheb,its real art of author ✍️
      Well done Haji Ismail Saheb khunawal,May Allahtaala gives you more knowledge & abilities In sha Allah
      Also May Allahtaala grant great late teacher Marhum Yusuf Sheikh Mochi Saheb,Ameen ya Rabbul Aalamin.

  7. We will never forget Yusuf Saheb Mochi. He was a Hero. Today we feel that he is still with us! May Allahtaala award him best for his sacrifices for our Tankaria! I have no words for my Teacher to admire!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*